આજે વાગડ સમુદાયના કલ્પતરુસૂરિશ્વરજી મ.સા.ને નૂતન ગચ્છાધિપદે અલંકૃત કરાશે

ગાંધીધામ, તા. 4 : પ્રભુ મહાવીરની 78મી પાટ શોભાવનારા, ભૂકંપમાં તહસ નહસ થયેલા કચ્છ વાગડવાસીઓને હૂંફ-પ્રેમ, લાગણી આપી નિરાધારોના આધાર બનનારા ગચ્છાધિપતિ આચાર્ય કલાપૂર્ણસૂરિજી મહારાજની વિદાય બાદ આવતી કાલે તા. 5ના કલ્પતરુસૂરિશ્વરજી મ.સા.ને પ્રભુ મહાવીરની 79મી પાટે નૂતન ગચ્છાધિપતિ અલંકૃત કરાશે. પૂ. કલ્પતરુસૂરિશ્વરજી મ.સા.ને અલંકૃત કરાતાં 800 જેટલા સાધુ-સાધ્વીએ તેમજ કચ્છ વાગડ વિસા ઓશવાળ, કચ્છ વાગડ સાત ચોવીસી સમાજના શ્રાવક-શ્રાવિકાઓની ભાવના સાકાર થશે. પ્રભુ મહાવીરની પ્રથમપાટે સુધર્મા સ્વામી ગણધર, બીજી પાટે જંબુ સ્વામી, ત્રીજી પાટે પ્રભવ સ્વામિ, તો કચ્છ વાગડની ધરાને ધર્મભાવથી મહેકતી કરનારા, પદ્મવિજયજી મહારાજ, જિતવિજયજી મહારાજ, હીરવિજયજી, આચાર્ય કનકસૂરિશ્વરજી મહારાજ, આચાર્ય દેવેન્દ્રસૂરિજી મહારાજ, આચાર્ય કલાપૂર્ણસૂરિજી મહારાજ સહિતનાએ લોકોના જીવનમાં સદાચાર, પરોપકાર, સ્નેહ આદિના ગુણોનું સિંચન કર્યું છે. આરાધના ભવન જૈન સંઘ, ભુજવતી પ્રમુખ કમલનયન મહેતા, માનદ્મંત્રી ધીરજલાલ મહેતાએ નૂતન ગચ્છાધિપતિની મંગલ કામના સહ વંદના કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer