વધઘટ કેમ્પ તળે ભુજ તાલુકાના 108 શિક્ષકને બદલી હુકમ અપાયા
ભુજ, તા. 3 : ભુજ તાલુકાની પ્રાથમિક શાળાઓની શિક્ષકોનો વધઘટ બદલીનો કેમ્પ એમએસવી હાઇસ્કૂલ માધાપર ખાતે યોજાયો હતો. જેમાં 108 બદલીના હુકમ થયા હતા. પ્રાથમિક વિભાગના 79 તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ભાષાના 17, ગણિત-વિજ્ઞાનના 9 અને સામાજિક વિજ્ઞાનના 3 બદલી હુકમ કરાયા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી. પ્રજાપતિની ઉપસ્થિતિમાં વધઘટ કેમ્પ યોજાયો હતો. જે શાળાઓમાં શિક્ષકોની વધ હતી તેવા શિક્ષકો હાજર રહ્યા હતા અને ખાલી જગ્યાઓ પૈકી પોતાની પસંદગીની જગ્યા પસંદ કરી હતી. કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, તા.પ્રા. શિક્ષણાધિકારી કમલેશ ખટારિયા, બીઆરસી કો-ઓર્ડિનેટર હરિભા સોઢા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, મહામંત્રી મેહુલભાઇ જોશી, રશ્મિ ઠક્કર વગેરે હાજર રહ્યા હતા. કેમ્પની કામગીરી ધીરજભાઇ ઠક્કર, યોગેશભાઇ જરદોશ, રોહિતભાઇ ગોર, મિતેશભાઇ પીઠડિયા, જતિનભાઇ પીઠડિયા, નીલેશભાઇ દેકાવાડિયા વગેરેએ સંભાળી હતી. વ્યવસ્થામાં માધાપર શાળાના આચાર્ય અંકિતભાઇ ઠક્કર તથા માધાપર ગ્રુપના શિક્ષકમિત્રો સહયોગી રહ્યા હતા.