ભુજના પ્રમુખસ્વામી નગર ખાતે માર્ગો પર પાણીના બગાડથી રોષ

ભુજ, તા. 4 : શહેરમાં મોટાભાગના વિસ્તારો અનિયમિત પાણી વિતરણથી ત્રસ્ત બન્યા છે ત્યારે પ્રમુખસ્વામી નગરમાં માર્ગો પર પાણીનો મોટા પાયે બગાડ થતો હોવાની ફરિયાદ ઊઠી છે. આ અંગે એક જાગૃત દંપતીએ સુધરાઇની વોટર સપ્લાય શાખામાં રૂબરૂ આવી જાણ કરી હતી અને જેમના ટાંકા છલકે છે તેમને બોલવાલ્વ નાખવા ફરજ પાડવા માંગ કરી હતી.  ભુજ સુધરાઇ દ્વારા અનેક વિસ્તારોમાં પાંચ-છ દિવસે  પાણી વિતરણ કરાતું હોય છે. અમુક વિસ્તારો તો હજુ પણ જોડાણથી વંચિત હોવાથી ટેન્કર પર નભી રહ્યા છે. આવા સમયે અયોગ્ય વ્યવસ્થાને પગલે પ્રમુખસ્વામી નગર ખાતે જ્યારે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે અમુક ઘરોના ટાંકા છલકે છે અને અમુક લોકો ઘર-આંગણા ધોતાં માર્ગો પર પાણી ફરી વળતાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.  પાણીનો માર્ગો પર વેડફાટ નિહાળી અનેક લોકોના જીવ બળી રહ્યા છે ત્યારે આજે એક દંપતીએ આ અંગે સુધરાઇની વોટર સપ્લાય શાખાનું ધ્યાન દોરી પાણીનો બગાડ અટકાવવા જેમના ટાંકા છલકે છે તેમને બોલ વાલ્વ નાખવા ફરજ પડાય તેવી માંગ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer