કચ્છ યુનિ.ના કર્મીઓનો પીએફ પ્રશ્ન કિનારે આવીને લટકયો !
ભુજ, તા. 4 : કચ્છ યુનિવર્સિટીના બિનકાયમી કર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડ માટેની લાંબી લડત હવે કિનારે આવીને અટકી ગઇ છે. લાંબા સંઘર્ષ બાદ કચ્છ યુનિવર્સિટીએ તો તેમને ભરવાની થતી રકમ જમા કરી દીધી હવે પીએફ ખાતું વિલંબ કરી રહ્યું છે અને હાલમાં કોવિડ મહામારી ચાલી રહી છે ત્યારે નાના કર્મચારીઓને રાહતરૂપ થઇ પડે તેવી આ રકમ તેમને નથી મળી રહી. યુનિ.નાં બિનશૈક્ષણિક કર્મચારીઓએ આ સંબંધે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 2006થી 2018 સુધીની રકમ કર્મચારીઓના ખાતામાં જમા કરવાની થાય છે. લાંબા સમયની રજૂઆતો બાદ યુનિવર્સિટી તેમના હિસ્સાની રકમ આપવા સહમત થઇ તા. 15-10-15થી શરૂ થયેલા કેસ બાદ કર્મચારી તરફી હુકમ થયો. તા. 29-7-20નાં યુનિ.એ 3/એ., 6/એ ફોર્મ સહિત વિગતો જમા કરાવી દીધી, પરંતુ હજુ પ્રશ્નનો નિવેડો નથી આવ્યો. આ સંદર્ભે આદિપુર સ્થિત પી.એફ.નાં આસિસ્ટન્ટ કમિશનરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, આ કોઇ મોટો સવાલ નથી ઉકેલાઇ જશે. અમને જરૂરી ફોર્મ યુનિ. તરફથી મળી ગયું છે, જે રાજકોટ કચેરીને નિયમાનુસાર મૂકી દેવાયું છે. હવે કયા કર્મચારીના કેટલા રૂપિયા એ ગણતરીને સત્તાવાર મંજૂરી રાજકોટથી મળ્યા બાદ કાર્ય પૂરું થઇ જશે.