આજે લખપત તાલુકાના હમનખુડી ગામે નૂતન ઝૂલેલાલ મંદિરના જીર્ણોદ્ધારનો શિલાન્યાસ
ભુજ, તા. 4 : રઘુવંશી સમાજના મુખ્ય આસ્થાનું કેન્દ્ર એવા ઝૂલેલાલ ભગવાનનું મંદિર લખપત તાલુકાના હમનખુડી ગામે બની રહ્યું છે. આ મંદિરનું આવતીકાલે તા. 5-12 સંતો, મહંતો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સવારે 9-30 કલાકે ગણેશ પૂજન થશે અને ત્યારબાદ સવારે 11-30 કલાકે શિલાન્યાસવિધિ યોજાશે.ભારતના પશ્ચિમ સમુદ્રતટે આવેલા કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર, કોટેશ્વરની બાજુમાં આવેલા હમનખુડી ગામમાં નદી કિનારે શ્રી ઉડેરાલાલનું પ્રાચીન મંદિર તથા એક કિ.મી.ના અંતરે ઝૂલેલાલ મંદિર આવેલું છે.રઘુવંશી સમાજ ઉત્પત્તિનાં ઐતિહાસિક લખાણો અનુસાર 857 વર્ષ જૂનું અને ભારતભરનું આ પ્રથમ મૂળ મંદિર છે, જે મંદિરમાં પ્રજ્વલિત જ્યોત પાકિસ્તાનનાં સિંધ પ્રાંતના મંદિરમાંથી અખંડ દીપથી જલાવવામાં આવી છે. રઘુવંશી લોહાણા ઠક્કર સમાજ આજ પણ વર્ષો જૂની પરંપરાને જાળવી સમગ્ર ભારતમાં જ્યાં પણ નવનિર્મિત ઝૂલેલાલ મંદિર થાય ત્યાં હમનખુડીથી જ્યોત પ્રજ્વલિત કરી તે મંદિરમાં દીપ પ્રજ્વલિત કરવામાં આવી છે અને તે અખંડ જ્યોત રહે છે.આ શિલાન્યાસ કાર્યક્રમમાં પૂ. દેવી ચંદુમા (અંબેધામ, ગઢશીશા) આશીર્વચન પાઠવશે, જેમાં લોહાણા મહાપરિષદ પ્રમુખ સતીશભાઇ વિઠ્ઠલાણી, લોહાણા મહાપરિષદ મહિલા પાંખ પ્રમુખ ડો. નીમાબેન આચાર્ય અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.