વડાપ્રધાનના ધોરડોના કાર્યક્રમમાં શિક્ષકો-આંગણવાડી વર્કરોને મોકલવાના ફતવાથી ગણગણાટ

ભુજ, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી તા. 15મીના કચ્છના ધોરડો ખાતેના કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષકો-આંગણવાડી વર્કરોને મોકલવાના થયેલા ફતવાથી કર્મચારીઓમાંથી ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે અને હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેવામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવાથી કાર્યક્રમમાં જવા મુદ્દે ખચકાટ અનુભવી રહ્યા છે. જોકે, કાર્યક્રમમાં જવાનું સ્વૈચ્છિક હોવાની તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન આગામી 15મીએ  એનર્જી પાર્ક અને ડિસેલિનેશન પ્લાન્ટના ભૂમિપૂજન માટે કચ્છ આવી રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવાના ઉદ્દેશ સાથે જિલ્લાના 200 જેટલા શિક્ષકો અને તેટલી જ સંખ્યામાં આંગણવાડી વર્કરોને ધોરડો?ખાતેના કાર્યક્રમમાં મોકલવા ગાંધીનગર કક્ષાએથી આદેશો વછૂટયા છે. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેવામાં આવા કાર્યક્રમો થકી વધુ સંક્રમણ ફેલાશે તેવી ભીતિ સતાવી રહી છે.સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એકતરફ સરકાર જાહેર કાર્યક્રમો, લગ્નપ્રસંગોમાં મર્યાદિત સંખ્યામાં એકઠા થવાના જાહેરનામાં બહાર પાડે છે. જ્યારે રાજકીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવા આદેશો બહાર પાડે તે કેટલા અંશે વાજબી લેખાય તેવો પ્રશ્ન પણ ઊઠાવી રહ્યા છે.બીજી તરફ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા ધોરડો ખાતેના કાર્યક્રમમાંથી શિક્ષકોને મુકિત આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરાઈ છે.આ રજૂઆત સંદર્ભે જિલ્લા પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા દ્વારા મળેલા મેસેજ અને નખત્રાણા તાલુકાના શિક્ષકો દ્વારા મળેલી રજૂઆતો  મુજબ નખત્રાણા તાલુકાના અનેક શિક્ષકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેના કારણે શિક્ષકોમાં  ભય ફેલાયો છે, જેથી આવી પરિસ્થિતિમાં તેમને?ધોરડો મોકલવા વાજબી નથી. આ બાબતે  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું ધ્યાન દોરતાં તેમણે ઉપલી કક્ષાએથી 100 જેટલા શિક્ષકોને ધોરડો લઇ જવાના આદેશ હોવાનું જણાવ્યું છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં  શિક્ષકોને  ધોરડોના કાર્યક્રમમાંથી મુકિત આપવા માંગ કરાઇ છે. તો જિલ્લાની આઇસીડીએસ શાખાના ભુજ ઘટક 1થી 3ના આંગણવાડી વર્કરોને ધોરડોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના કરાયેલા?ફતવાથી વર્કરોમાં કોરોનાના ડરને લઇને ફફડાટ ફેલાયો છે. વર્કરોમાંથી  ઉઠેલા ગણગણાટ મુજબ અગાઉ યોજાઇ ગયેલા જાહેર કાર્યક્રમો દરમ્યાન સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ અને ક્યાંક આંગણવાડી વર્કરો કોરોના સંક્રમિત થયાં છે. તેમ તેમના પરિવારોમાં પણ સંક્રમણ ફેલાયું હોવાથી આવા કાર્યક્રમોમાંથી તેમને મુકિત આપવામાં આવે તેવું નામ ન આપવાની શરતે અમુક વર્કરોએ  જણાવ્યું હતું. આ આદેશો મુદ્દે શિક્ષણ તંત્રના સત્તાવાર સાધનોએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં  જવું ફરજિયાત નતી, પરંતુ જે લોકો  સ્વેચ્છાએ જવા માગતા હશે તેમને જ મોકલવામાં આવશે. દરમ્યાન આ અંગે આઇસીડીએસ શાખાનો સંપર્ક સાધતાં હજુ સુધી આવા કાર્યક્રમ અંગે કોઇ સૂચના મળી નથી તેવું જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer