જોખમી ઇમારતોના મુદ્દે તંત્રની ઢીલાશ મોટું જોખમ સર્જશે

ભુજ, તા. 4 : ભૂકંપના અતિસક્રિય એવા પાંચમા ઝોનમાં આવતા કચ્છમાં 2001માં આવેલા વિનાશકારી ભૂકંપના 19 વર્ષ બાદ પણ જોખમી ઇમારતો  જસની તસ અવસ્થામાં પડી છે, ત્યારે જોખમી ઇમારતોના મુદ્દે તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ અપનાવી રહ્યું હોય તેમ વધુ એક મોટી તીવ્રતાનો આંચકો અનુભવાયા બાદ જ તંત્રની કામગીરીમાં ફરી એકવાર સળવળાટ જોવા મળશે તેવું જાગૃત નાગરિકો કટાક્ષયુકત સ્વરે કહી રહ્યા છે. જિલ્લા મથક ભુજની વાત કરીએ તો અહીં મોતના માંચડા સમાન ઊભેલી બહુમાળી ઇમારતો હોય કે પછી વિવિધ વિભાગ  હસ્તકના જર્જરિત અવસ્થામાં  ઊભેલા સરકારી કવાર્ટર્સ હોય, જ્યારે જ્યારે પણ ભય-ઉચાટનો માહોલ સર્જતા મોટી તીવ્રતાના આંચકા અનુભવાય તે પછી થોડા દિવસો સુધી નવેસરથી સર્વે હાથ ધરવા, નોટિસ પાઠવવા સહિતની કામગીરી  જોરશોરથી કરાતી હોય છે.ભય-ગભરાટની ઉદ્ભવેલી સ્થિતિ થોડી હળવી થતાં રાત ગઇ ને વાત ગઇની જેમ તમામ બાબતો ભુલાઇ જતી હોય છે અને સ્થિતિ એની એ જ ઊભીને સામે આવી જતી છેલ્લા લાંબા સમયથી દેખાઇ રહી છે.2001ના ભૂકંપને બે દાયકા જેટલો સમય વિતવાના આરે છે અને આ સમયગાળામાં નાની-મધ્યમ તેમજ મોટી તીવ્રતાના કંપન મોટી સંખ્યામાં અનુભવાઇ ચૂક્યા છે.?છેલ્લે 31 માર્ચના 5.3ની તીવ્રતા  અનુભવાયેલા મોટી તીવ્રતાના આંચકા બાદ ફરી એકવાર જોખમી બહુમાળી ઇમારતો હોય કે પછી જર્જરિત હાલતમાં ઊભેલા સરકારી ક્વાર્ટર્સનો મુદ્દો ફરી એકવાર સપાટી પર આવ્યો હતો. જો કે થોડા સમય સુધી લોઢું ગરમ રહ્યા બાદ ફરી એકવાર તેના પર ઠંડું પાણી રેડી આખીય પ્રક્રિયાને ટાઢીબોળ કરી દેવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer