નલિયામાં પારો 8.9 ડિગ્રીએ ઉતર્યો

નલિયામાં પારો 8.9 ડિગ્રીએ ઉતર્યો
નલિયા, તા. 21 : અબડાસામાં છેલ્લા ત્રણેક દિવસથી ફરી વળેલું ઠંડીનું મોજું યથાવત રહેતાં જનજીવનને સીધી અસર પહોંચી છે. ગઈકાલે ઠંડીમાં અંશત: રાહત મળી હતી. 10.4 જેટલું ન્યુનતમ તાપમાન નોંધાયું હતું. આજે લઘુત્તમ પારો 1.6 ડિગ્રી જેટલો નીચે ઉતરી શનિવારે તાપમાન 8.8 ડિગ્રીએ પહોંચતાં સીઝનનો સર્વાધિક ઠંડો દિવસ અનુભવાયો હતો. મોસમની શરૂઆતમાં જ ફરીથી બીજીવાર પારો સિંગલ ડિજિટમાં આવી જઈ આજે મોસમનાં સૌથી ઠંડા દિવસનો અનુભવ અબડાસાવાસીઓએ કર્યો હતો. કાંઠાળ વિસ્તારનાં ગામોમાં ઠંડીનો સારો એવો ચમકારો જોવા મળ્યો હતો. આમેય મંદીના કારણે સવારે અને સાંજે બજારોમાં મર્યાદિત ચહલ-પહલ જોવા મળે છે. તેમાંય હવે શિયાળાની શરૂઆત થઈ જતાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીની તીવ્રતા વધુ હોવાનાં કારણે લોકોની સવાર મોડી પડે છે તેમજ બજારોમાં હાજરી પણ નહીંવત જોવા મળે છે. તો ઠેર ઠેર તાપણાંની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનાં કારણે લોકો મુસાફરી કરવાનું ટાળે છે. આથી એઁસટી બસો અને ખાનગી વાહનોમાં મુસાફરોની સંખ્યા મર્યાદિત જોવા મળે છે. જો કે હાલે કોરોનાના કારણે શાળાઓ ન ખુલતાં વહેલી સવારે ઠંડીમાં ઠરતાં ઠરતાં નાના ભૂલકાંઓ જે શાળાએ જતાં તેમને હાલે ઠંડીની સીઝનમાં ઘણી રાહત મળી છે. જ્યારે સૌથી વધુ ઠંડીની માર મૂંગા પશુઓ પર પડી રહી છે. ઠંડીના કારણે તેમની રૂંવાટી કાળી પડી રહી છે તો દુધાળા પશુઓમાં થોડા ઘણાં અંશે દૂધનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. સવાર પડતાંની સાથે સૌ મૂંગા જાનવરો તડકામાં ઠંડી ઊડાવવા લાઈનસર કતારમાં ગોઠવાઈ જાય છે. દરમિયાન જિલ્લા મથક ભુજમાં એક ડિગ્રીના ઘટાડા સાથે પારો 14.6 તો કંડલા (એ)માં 13.1 અને કંડલા પોર્ટમાં 15 ડિગ્રીના આંકે પહોંચતાં ભુજ, અંજાર, ગાંધીધામમાં તીવ્ર ઠંડીની ચમક વર્તાઈ હતી. હવામાન વિભાગે હજુ એક દિવસ કોલ્ડવેવ જારી રહેવાની આગાહી કરી છે ઠંડીની તીવ્રતા વધતાં ગરમ વત્રોના વેચાણમાં તેજી જોવા મળી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer