કચ્છમિત્રના કર્મચારી અને કચ્છમાં કેટરિંગ ક્ષેત્રે નામ કાઢનારા યુવા વ્યવસાયીનું નિધન

કચ્છમિત્રના કર્મચારી અને કચ્છમાં કેટરિંગ ક્ષેત્રે નામ કાઢનારા યુવા વ્યવસાયીનું નિધન
ભુજ, તા. 21 : કચ્છમિત્રના સર્ક્યુલેશન વિભાગમાં ફરજ બજાવતા સિનિયર કર્મચારી અને પોતાની આગવી સૂઝબૂઝથી કેટરિંગ અને રેસ્ટોરાં વ્યવસાયમાં નામ કાઢનારા સત્યમ પ્રવીણભાઇ ઠક્કરનું હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થતાં કચ્છમિત્ર પરિવારમાં તેમજ તેમના બહોળા મિત્ર વર્તુળ અને લોહાણા સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.સત્યમે શુક્રવારે પૂરો દિવસ કચ્છમિત્રમાં ફરજ બજાવી હતી અને રાત સુધી તેમના માધાપર સ્થિત `મૂનલાઇટ રેસ્ટોરાં'માં કાર્યરત હતા.રાત્રે ઘરે પહોંચ્યા પછી તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને સારવાર મળે એ પહેલાં જ પરિવારને વિલાપ કરતા છોડી ગયા હતા.મુંબઇ કે મહાનગરોમાં શુભ પ્રસંગોએ યોજાતા ભોજન સમારોહ જેવી સજાવટ અને વિવિધ વાનગીઓ તથા પીરસનારાઓની મોટી ફોજ સાથે કચ્છમાં પણ કેટરિંગ વ્યવસાયમાં એક અલાયદો જ ચીલો પાડીને સત્યમે `બ્લૂ મૂન' કેટરિંગના માધ્યમથી ટૂંકાગાળામાં ખ્યાતિ મેળવી હતી. યુવા વ્યવસાયીની મૃદુભાષી છાપ તથા સંતોષજનક સેવાઓના લીધે જ કેટરિંગથી હોટલ ઉદ્યોગ સુધી વિકાસ થયો અને `મૂનલાઇટ'નામે માધાપર-ભુજમાં તેમણે રેસ્ટોરન્ટ પણ શરૂ  કર્યા છે. તેમણે આમીર ખાન અભિનિત પ્રસિદ્ધ `લગાન' ફિલ્મના શૂટિંગ વખતે આખા યુનિટની ભોજન વ્યવસ્થા સંભાળી હતી તો રણોત્સવ ધોરડો ખસેડાયો ત્યારે પણ પ્રવાસન વિભાગે એક અલાયદા ભોજન ખંડની સંપૂર્ણ જવાબદારી તેમને સોંપી હતી. તે અગાઉ રણમાં વિવિધ જાહેરાત માટે આવેલા અદાકાર અક્ષયકુમાર અને ફરહાન અખ્તરનાં યુનિટની વ્યવસ્થા પણ સુચારુ ઢબે સંભાળીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની હાજરી નોંધાવી હતી. સત્યમ કચ્છમિત્રની પૂર્તિઓમાં 50 કરતાં વધુ વર્ષથી રજત પટની કટાર લખતા પ્રવીણભાઇ ઠક્કરના પુત્ર અને જૂની પેઢીના નામાંકિત વકીલ વાલજીભાઇ ઠક્કરના પૌત્ર થાય.  તેમનાં નિધનથી `કચ્છમિત્ર' પરિવારે પણ એક સંનિષ્ઠ કર્મચારી ગુમાવ્યા હોવાની લાગણી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ જૂથનાં સી.ઇ.ઓ. કુન્દનભાઇ વ્યાસ, કચ્છમિત્ર તંત્રી દીપકભાઇ માંકડ તથા મેનેજર શૈલેષભાઇ કંસારાએ વ્યક્ત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer