આહીર સમાજના મોભી-અગ્રણી દાતાના અવસાનથી શોક

આહીર સમાજના મોભી-અગ્રણી દાતાના અવસાનથી શોક
રાયધણપર (તા. ભુજ), તા. 21 : આહીર સમાજના મોભી અને અગ્રણી દાતા ગોપાલભાઇ સવાભાઇ ડાંગરનું શનિવારે સવારે 73 વર્ષની વયે અવસાન થતાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. તાલુકાના નાડાપા ખાતે નીકળેલી તેમની પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં આહીર સમાજ જોડાયો હતો. ભુજ તાલુકાના નાડાપા ગામના વતની ગોપાલભાઇ ડાંગર લોડાઇ વિભાગ આહીર સમાજના પૂર્વ પ્રમુખ હતા. ભુજોડી સ્થિત આહીર કન્યા વિદ્યામંદિરના ટ્રસ્ટી હતા. કચ્છ આહીર સમાજના શૈક્ષણિક સંકુલો માટે તેઓ હંમેશાં આર્થિક અનુદાન માટે મદદરૂપ રહેતા હતા. તેમના વતન નાડાપા ખાતે ગામના દરેક નાના-મોટા વર્ગ માટે યથાયોગ્ય યોગદાન આપતા અને ગામના દરેક જરૂરિયાતમંદ પરિવારને સામાજિક પ્રસંગે -તબીબી સારવાર પ્રસંગે ખડેપગે રહી મદદરૂપ બનતા હતા. તેમણે પાકિસ્તાન સ્થિત મા હિંગલાજની યાત્રા કરી હોવાથી સદ્ગતની પાલખીયાત્રા નીકળી હતી, જેમાં સમાજ અગ્રણી-પૂર્વ ધારાસભ્ય શિવજીભાઇ આહીર, લોડાઇ વિભાગ આહીર સમાજ પ્રમુખ રૂપાભાઇ ચાડ, કચ્છ -પાટણ પ્રાંથળિયા આહીર સમાજ પ્રમુખ ધનજીભાઇ કેરાસિયા, સતીશભાઇ છાંગા, હબાય મંદિરના પૂજારી લક્ષ્મણગિરિ સહિત મોટી સંખ્યામાં આહીર અગ્રણીઓ સદગતની પાલખીયાત્રામાં જોડાયા હતા. રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી તેમના નિધનથી આહીર સમાજે દિલેર દાતા ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. પાલારા ખાસ જેલ પરિસરમાં મંદિર નવનિર્માણમાં મુખ્ય યોગદાન શહેરની ભાગોળે આવેલી જિલ્લા ખાસ જેલ-પાલારાના પરિસરમાં જેલ સ્ટાફ કર્મચારીઓના પરિવારજનો અને કેદીઓ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે એ હેતુએ શિવ મંદિરનું ભવ્ય નિર્માણ સન 2012ની આસપાસ કરવામાં આવ્યું, એ શિવમંદિરમાં બિરાજમાન ભગવાન ભોળાનાથ જે નામથી પ્રસ્થાપિત કરાયા છે એ શ્રેષ્ઠી દાતા આહીર સમાજરત્ન અને ઉદ્યોગપતિ ગોપાલભાઇ સવાભાઇ ડાંગર (નાડાપા)નું નિધન થતાં જેલ સ્ટાફ અને બંદીવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નિર્માણાધીન શિવાલય સિદ્ધ ગોપાલેશ્વરનાં બાંધકામમાં મુખ્ય ફાળો સદ્ગતના પરિવારજનોનો રહ્યો છે અને દર વર્ષે મંદિરના ઊજવાતા પાટોત્સવમાં સહયોગ આપતા હતા. જેલના અધીક્ષક ડી.એ. ગોહેલ, ગળપાદર જેલના અધીક્ષક એમ. એન. જાડેજા, નિવૃત્ત અધીક્ષક એસ. આઇ. વ્હોરા, કચ્છમિત્રના પ્રતિનિધિ વસંત અજાણી, વિસ્તારના સરપંચ વાલાભાઇ લખમણ બત્તા, દેવલમા સમિતિના અરવિંદ ગોરે સદ્ગતની સેવાઓને બિરદાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer