નખત્રાણામાં એસિડ ગટગટાવનાર વૃદ્ધનું મોત : મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

નખત્રાણામાં એસિડ ગટગટાવનાર વૃદ્ધનું મોત : મૃતદેહ સ્વીકારવા ઇન્કાર
ભુજ, તા. 21 : નખત્રાણા ખાતે જલારામ નગર વિસ્તારમાં પ્લોટના સોદા અન્વયે કરાયેલી છેતરપિંડીનો ભોગ બનેલા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના નિવૃત્ત કર્મચારી જાનમામદ બુઢા રાઠોડ દ્વારા એસિડ પી લેવાયા બાદ આજે તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થતાં જવાબદારો સામે પોલીસ કાર્યવાહીની માગણી સહિતના મુદે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં આ મામલો ભારે ગંભીર બન્યો હતો. ગત તા. 24મી ઓકટોબરના એસિડ પી લેનારા આ નિવૃત્ત વીજ કર્મચારીએ આજે સારવાર દરમ્યાન ભુજની ખાનગી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આ પ્રકરણમાં પોલીસ સમક્ષ વારંવાર લેખિત અને મૈખિક ફરિયાદો છતાં ગુનો નોંધવા સહિતની જવાબદારો સામે કોઇ જ કાર્યવાહી ન કરાતા મૃતકના પરિવારે મૃતદેહનો કબજો લેવાની ના પાડી દીધી હતી. આ વિવાદ આજે સાંજથી રાત્રિ સુધી હજુ અવિરત રહ્યો છે. આ ઘટનામાં મૃતકે એસિડ પી લેવા પૂર્વે ચિઠ્ઠી લખેલી છે. તો તેમના પુત્ર મહમદશરીફ દ્વારા એસ.પી.ને સમગ્ર મામલાનું વર્ણન કરતી ફરિયાદ અરજી પણ આપેલી છે. ચિઠ્ઠી અને અરજીમાં જણાવાયેલી વિગતો અનુસાર જલારામ નગરમાં બે દલાલોએ પ્લોટ બતાવી સોદો કર્યા બાદ એકના બદલે અન્યની માલિકીનો બીજો આપી છેતરપિંડી કરી હતી. આ સમગ્ર માહોલ અને આ સબંધી ધાકધમકી સહિતના માહોલ થકી એસિડ પી લેવાનું પગલું ભોગ બનનારે ભર્યું હતું.દરમ્યાન જાનમામદભાઇનું આજે મૃત્યુ થયા બાદ પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને ગરાસિયા મિયાંણા સમાજના હોદેદારો અને લઘુમતી સમુદાયના અગ્રણીઓ અને સભ્યો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. તેમણે જયાંસુધી પોલીસ જવાબદારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ ન કરે ત્યાંસુધી મૃતદેહ ન સ્વીકારવાની સ્પષ્ટ વાત કરતાં પોલીસે આટલા દિવસોમાં કોઇ કાર્યવાહી ન કર્યાની ફરિયાદ કરી હતી. આ મામલે ભવિષ્યમાં વધુ ઉગ્ર કાર્યક્રમો આપવાની તૈયારી પણ બતાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer