પરંપરાગત રીતે કચ્છમાં નવા વર્ષની ઉજવણી

પરંપરાગત રીતે કચ્છમાં નવા વર્ષની ઉજવણી
ભુજ, તા. 21 : કચ્છમાં દિવાળીના તહેવારો અને નવા વરસને આવકારવા સ્નેહમિલનના કાર્યક્રમો યોજાયા હતા. સૌએ એકબીજાને શુભેચ્છા પાઠવી મહામારીમાંથી મુકિતની પ્રાર્થના કરવામાં આવી હતી. અબડાસા મત વિસ્તારની પેટાચૂંટણીમાં જંગી સરસાઇથી ચૂંટાયેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મોટી વિરાણી?ખાતેના દરબારગઢમાં યોજાયેલા નૂતન વરસના સ્નેહમિલનમાં સ્થાનિક તેમજ અબડાસા મત વિસ્તારના દૂર દૂરના શુભેચ્છકો અગ્રણીઓએ વિવિધ સંસ્થાના અગ્રેસરોએ નવનિયુકત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને નૂતન વરસની શુભેચ્છા આપી હતી. મિલનમાં શ્રી જાડેજાના વડીલ બંધુ જયેન્દ્રસિંહ જાડેજા, લઘુબંધુ સહદેવસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, ભગીરથસિંહ, વિજરાજસિંહ, સૂર્યવીરસિંહ સહિતના ઠાકોર પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે ધારાસભ્ય શ્રી જાડેજાએ પાવરપટ્ટીના તમામ ગામોના પ્રથમ પ્રવાસે મતદાતાઓ  તથા જનતાનો આભાર વ્યકત કર્યો હતો. દેવીસર, હીરાપર, ભીમસર, ઉલટ, ગોધિયાર નાની-મોટી, ચંદ્રનગર, વંગ, ડાડોર, ખારડિયા, બિબ્બર, નિરોણા, પાવરપટ્ટીના ગામોમાં લોકસંપર્ક પ્રવાસ કરી વિકાસકાર્યોની માગણીઓની નોંધ લીધી હતી. આજના ભૌતિક અને આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન તહેવારોની ઉજવણી પરંપરાગત રીતે મનાવવાના બદલે લોકો પરિવાર સાથે પર્યટન સ્થળોએ ફરવા નીકળી જાય છે અથવા ટેકનોલોજીના યુગમાં મોબાઇલથી જ નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી મનાવે છે. ત્યારે અન્યોએ  પ્રેરણા આપતા યુવાનોએ નવા વર્ષની રાજવી પરંપરા સાથે ઉજવણી કરી હતી. કાંયાજી જાડેજા ભાયાતના 12 ગામ પૈકી નખત્રાણા તાલુકામાં આવેલા વડવા (કાંયાજી) ગામના ક્ષત્રિય યુવાનોએ રાજવી પરંપરાના પહેરવેશ સાથે પૂ. સંતોષગિરિ બાપુના આશીર્વાદથી નવા  વર્ષને આવકાર આપી આશીર્વાદ મેળવ્યા હતા અને ભાતીગળ પરંપરા અનુસાર ભાયાતના મેળાવા (ડાયરા)માં હાજરી આપી હતી. તિલાટ તખુભા જાડેજા, મહિપતસિંહ જાડેજા, ધોકડા-કચ્છના પોપટભા જાડેજા, નરપતસિંહ સોઢા, મોબતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા પરંપરાગત રિવાજને જીવંત રાખવા સહભાગી રહ્યા હતા. વાગડ વિસ્તારનું માણાબા ગામ એ રાજાશાહી વખતના દરબાર જાગીરદારોનું જૂનું ગામ છે અને એમની સાથે વણાઇ ગયેલા મુસ્લિમ રાઉમા સમાજના વડીલોની ડેલીપ્રથાને અત્યારે પણ જળવાય છે. અત્યારે ગામમાં એકપણ દરબાર પરિવાર રહેતા નથી, પરંતુ રાઉમા સમાજના વડીલોએ ડેલીપ્રથાને અત્યારે પણ જાળવી રાખી છે. ગામમાં મુસ્લિમ રાઉમા સમાજ સાથે પટેલો, ભરવાડ, કોલી, અ.જા., સુથાર, લુહાર, ખલીફા, સાધુ વગેરે જાતિઓ મળીને બે હજાર જેટલી વસતી ધરાવતું ગામ છે, જ્યાં વર્ષોથી વહેલી સવારે દિવાળી પડવાની ઉજવણી કરવામાં આવે છે. રાઉમા  હાજી અલ્લારખાભાઇ અને રાઉમા હાજી અબ્દુલભાઇએ પોતાના પરંપરાગત વારસાને જાળવીને ડેલીએ કસુંબલ ડાયરાઓ, મીઠાઇ દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. સરપંચ અકબરભાઇ રાઉમા જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer