ઠંડી શરૂ થતાં જરૂરતમંદ ગરીબ લોકો માટે ધાબળા વિતરણનો પ્રારંભ

ઠંડી શરૂ થતાં જરૂરતમંદ ગરીબ લોકો માટે ધાબળા વિતરણનો પ્રારંભ
ભુજ, તા. 21 : ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા લાભપાંચમના દિવસે ઠંડી શરૂ થઇ ગઇ છે ત્યારે ગરીબમાં ગરીબ માણસને મુશ્કેલી ન પડે તે માટે ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઇ છેડા તથા સંસ્થાના પદાધિકારીઓના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી છેડાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં જ્યારે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે સંસ્થા વરસો જૂની મહાજન પરંપરાને નિભાવી જનજન સુધી સેવાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે. છેલ્લા દોઢ મહિનાથી કોઇ પણ નાતજાતના ભેદભાવ વગર જે પરિવાર કોરોનામાં સપડાયા છે તે પરિવારોને વિનામૂલ્યે ટિફિન પહોંચાડવામાં આવે છે. આ ટિફિનસેવાનો અત્યાર સુધી 1000થી વધુ કોરોનાગ્રસ્ત પરિવારોએ લાભ લીધો છે. સંસ્થાના મંત્રી નરેશભાઇ શાહે જણાવ્યું હતું કે, જેમ-જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ સંસ્થાના કાર્યકર્તાઓ રૂબરૂ સેવા વિસ્તારોમાં જઇને ધાબળા પહોંચતા કરશે. ગત વરસે સંસ્થા દ્વારા અનુ. જાતિ વર્ગના છાત્રાલયોમાં 1000થી વધુ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન સંસ્થાના સહમંત્રી હિરેનભાઇ પાસડે કર્યું હતું. સંસ્થાના ખજાનચી હરેશભાઇ ગોગરી ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer