ગાંધીધામમાં જૈનાચાર્યની પાલખીયાત્રા નીકળી

ગાંધીધામમાં જૈનાચાર્યની પાલખીયાત્રા નીકળી
ગાંધીધામ, તા. 21 :ભારતભરના શ્વેતામ્બર જૈન સમાજના ત્રીજા નંબરના સહુથી મોટા એવા  જૈનાચાર્ય કલાપ્રભસૂરિશ્વરજી  ગઈકાલે કાળધર્મ પામ્યા  હતા. ગાંધીધામ ખાતેથી આજે તેમની  પાલખીયાત્રા નીકળી હતી.જેમાં બહોળી સંખ્યામાં જૈન સમાજના આસ્થાળુઓ જોડાયા હતા.કચ્છવાગડદેશોદ્વારકપ.પૂ. આચાર્યદેવ વિજયકલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્ય કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.એ ગઈકાલે અનંતલોકે પ્રયાણ કર્યું હતું. આજે બપોરના ગાંધીધામના ચિંતામણી જિનાલયથી તેમની પાલખીયાત્રા નીકળી હતી. જેમાં મુંબઈ, સુરત, રાજસ્થાન, ચેન્નઈ, રાપર, ભુજ, ભચાઉ,અંજાર, માધાપર સહિતનાસ્થળોએથી મોટીસંખ્યામાં આસ્થાળુઓએ હાજર રહીને જૈનાચાર્ય કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.ના અંતિમ દર્શન  કરી મસ્તક નમાવ્યું હતું. આસ્થાનું પ્રતીક એવા કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.ની શર્મા રિસોર્ટની સામેના ભાગે  અંતિમવિધિ કરાઈ હતી. અંતિમસંસ્કાર વિધિનો લાભ  રાજસ્થાનના  ફલોદીના  મનોરીલાલજી કમરલાલજી ફલોદીએ લીધો હતો. જુદા-જુદા ચડાવામાં અંદાજિત 4 કરોડ અને જીવદયા માટે અંદાજિત 60 લાખ જેટલી રકમ એકત્રિત થઈ હતી.ગાંધીધામ શ્રીસંઘે વ્યવસ્થાનો દોર સંભાળ્યો હતો. તેમજ  કાર્યક્રમનું સંચાલન પંડિત દીપકભાઈ કોઠારીએ કર્યું હતું. કચ્છના રાજયમંત્રી વાસણભાઈ આહીર, ભૂતપૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ સહિતનાએ કાળધર્મ પામેલા કલાપ્રભસૂરિશ્વરજીના અંતિમ દર્શનનો લાભ લીધો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer