અંજારમાં દેનાબેંકનાં એટીએમ બંધ રહેતાં મુશ્કેલી

અંજારમાં દેનાબેંકનાં એટીએમ બંધ રહેતાં મુશ્કેલી
ગાંધીધામ, તા.21 : અંજારના એસ.ટી. બસ સ્ટેશન પાસે આવેલી બેન્ક ઓફ બરોડા(જૂની દેના બેન્ક)ના એ.ટી.એમ. મશીન, પાસબુક, ચેકબુક સહિતની સુવિધા પ્રદાન કરતા જુદા-જુદા  મશીનો છેલ્લા લાંબા સમયથી શોભાના ગાંઠિયા સમાન બન્યાં છે. જેને લઈ ભારે નારાજગી પ્રવર્તી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોના મોટા પ્રમાણમાં ખાતાં ધરાવતી બેન્ક ઓફ બરોડા (જૂની દેના બેન્ક)ની  નયા અંજાર શાખા ગ્રાહકોના આવનજાવનથી સતત વ્યસ્ત રહે છે. આ શાખાની બાજુમાં આવેલા બેન્કના  બેન્કીંગ વ્યવહાર માટે ઉપયોગી સાબિત થયેલા વિભિન્ન  પ્રકારના મશીનો  છેલ્લા કેટલાય મહિનાઓથી  બંધ હાલતમાં પડયા છે. રોકડ ઉપાડ માટેનું  એ.ટી.એમ ભાગ્યે જ ગ્રાહકોને ઉપયોગી બનતું હોય છે તેવી ફરિયાદો ઉઠી છે. ગ્રાહકોએ જણાવ્યું હતું કે  બેન્ક દ્વારા ખાતાંધારકોને સુવિધાની હૈયાધારણા આપવા માટે  આધુનિક મશીનો  ગોઠવવામાં આવ્યાં છે. તેમાંના અમુક મશીનો કાયમ  બંધ હાલતમાં નજરે પડયાં છે. સ્થાનિક અધિકારીઓની પણ બેદરકારીને કારણે આ પ્રકારની હાલાકી ભોગવવી પડી રહી હોવાનું ગ્રાહકોએ ઉમેર્યું હતું.બેન્કની ઉચ્ચકક્ષાની ટીમ દ્વારા સ્થાનિક કક્ષાએ મુલાકાત લઈને   સી.સી.ટી.વી. કેમેરાની ફૂટેજનું પૃથક્કરણ કરવામાં આવે તો મશીનો કેટલા સમયથી બંધ છે ? ગ્રાહકોને આ મશીનો કેટલા  ઉપયોગી નીવડયાં તેનો ખ્યાલ  આવી શકે. સમયાંતરે ઊભી થતી અસુવિધાને લઈને  ગ્રાહકો નાછૂટકે અન્ય બેંકની સેવાનો લાભ લેવા પ્રેરાયા છે. કેટલીક ખાનગી બેંકોમાં  ખાતાંઓની સંખ્યા વધારવા માટે  જાણી જોઈને આ પ્રકારની અસુવિધાનું કૃત્રિમ તરકટ રચવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ જાગૃત નાગરિકો કર્યો હતો. વિભિન્ન સેવા પ્રદાન કરતા મશીનો બંધ જ હોવાનું  બેન્કના કેટલાક કર્મચારીઓ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. એ.ટી.એમ.મશીન ચાલુ બંધ રહેતાં ખાતાંધારકોને નાછૂટકે ચાર્જ ચૂકવી અન્ય બેંકના એ.ટી.એમ.નો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. કોરોનાકાળમાં આ શાખામાં કોરોનાને લઈને સરકારી માર્ગદર્શિકાનું  છડેચોક ઉલ્લંઘન કરાતું હોવાની બૂમ પડી છે. બેન્ક દ્વારા એક તપાસ સમિતિની રચના કરી ગ્રાહકોની અસુવિધા દૂર કરવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer