કચ્છમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ 123 મંડળને સહાય

ભુજ, તા. 21 : કોરોનાના પગલે અર્થતંત્રને વેગવતું બનાવવા, મહિલાઓના આર્થિક યોગદાનને મજબૂત કરવા મહિલા આત્મનિર્ભર પેકેજ હેઠળ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ રાજયના 70 શહેરોમાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં કરાવ્યો હતો. કચ્છમાં ભુજ અને ગાંધીધામ ખાતે મુખ્યમંત્રીએ ગાંધીનગરથી આ યોજનાનું ઈ-લોન્ચિંગ કરી તેનો પ્રારંભ કર્યો હતો. કચ્છમાં પ્રાથમિક તબક્કામાં 123જેટલાં સખીમંડળ,સ્વસહાય જૂથ અને મહિલાઓએ આ યોજના હેઠળ ધિરાણ મેળવવા 10 મહિલાઓનું જોઇન્ટ લાયબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપ બનાવવાનું રહે છે. 18થી 59 વર્ષની મહિલાઓનું ગ્રુપ હશે. વિધવા અને ત્યકતા બહેનોને અગ્રતા અપાશે. આ યોજનાનું લક્ષ્ય વર્ષ 2020-21માં 1 લાખ જોઇન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રુપની રચના કરી આશરે 10 લાખ મહિલાઓને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ સાથે જોડીને સ્વાવલંબી, આત્મનિર્ભર બનાવવાનું છે.તાજેતરમાં જ જિલ્લામાં 123 સહાય જૂથ, સખીમંડળોને વડાપ્રધાનના જન્મદિને ધિરાણના મંજૂરીપત્રો વિતરણ કરવામાં આવ્યાં હતાં. જે પૈકી ભુજ ખુશી મહિલા સ્વસહાય જૂથ, જયખીમજમા મહિલા બચત મંડળ, જેસલ તોરલ મહિલા બચત મંડળ, જય ગણેશ મહિલા સ્વસહાય જૂથ અને સુમરાસરના દશામા સખીમંડળ, સવિતા મિશન મંગલમ માધાપર તેમજ સંસ્કૃતિ સખીમંડળ, સખીમિશન મંગલમ, વિશ્વાસ મિશન, સુમરાસરના જૂથોએ ધિરાણ મેળવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer