નિયમોનું પાલન કરજો, આજથી ટીમો ઉતરશે

ભુજ, તા. 21 : રાજ્યના મહાનગરોમાં કોરોનાની વણસેલી સ્થિતિને જોતા કચ્છમાં પણ અસર વર્તાઇ રહી છે. આજે પણ વધુ નવા 30 પોઝિટીવ કેસ આવ્યા છે ત્યારે ગઇકાલે કલેકટર દ્વારા કરવામાં આવેલી તાકીદ પછી આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં કાલથી ટીમો ઉતારવાનો નિર્ણય લેવાયો હતો.શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે માસ્ક નહીં પહેરનારા અને એકબીજાથી અંતર રાખવાના નિયમોનું ભંગ કરતા તથા ભીડ જ્યાં એકત્ર થાય છે એવા સ્થળે ચેકીંગ માટે સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓની બનેલી સંયુક્ત જોઇન્ટ ઇન્ફોસમેન્ટ ટીમો હવે કાલથી કચ્છમાં ગમે ત્યાં ચેકીંગ ઝુંબેશ શરૂ કરશે તેવું ડિઝાસ્ટર મામલતદાર સી. આર. પ્રજાપતિએ જણાવ્યું હતું. કલેકટરની અધ્યક્ષતામાં વહીવટી તંત્રની બેઠક મળી હતી જેમાં કાલથી વિવિધ વિસ્તારોમાં ચેકીંગ ટીમો ઉતારવા સૂચના આપવામાં આવી હતી. કચ્છમાં હજુ પણ લોકો સાવધાની દાખવતા નથી ઘણી જગ્યાએ માસ્ક વગર ફરતા નાગરિકો પોતાના અથવા તો બીજા માટે જોખમ ઊભું કરી શકે છે એટલે માસ્ક ફરજિયાત છે નહીંતર 1 હજાર દંડ ફટકારવામાં આવે છે. એક-બીજા વચ્ચે અંતર રાખવાની સૂચના હોવા છતાં ચોક્કસાઇથી પાલન થતું નથી. આવી સ્થિતિમાં લોકો દૂર રહે તેનું ધ્યાન રાખવા પણ જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer