કચ્છમાં માસ્ક નહીં પહેરનારા સાવધાન

કચ્છમાં માસ્ક નહીં પહેરનારા સાવધાન
ભુજ, તા. 20 : તહેવારો બાદ ખાસ કરીને રાજ્યના મહાનગરો તેમજ રાજ્ય બહારના મોટા-મોટા શહેરોમાં કોરોના સંક્રમણના કેસોમાં આવેલા ઉછાળાને પગલે કચ્છના વહીવટી તંત્રએ પણ સતર્ક બનીને પરીક્ષણ વધાર્યું છે. સામે માસ્ક નહીં પહેરનારા લોકો માટે પણ ટીમો ઉતારવાની સૂચના અપાઇ હોવાનું કલેકટર પ્રવીણા ડી. કે.એ જણાવ્યું હતું. કલેકટરે કચ્છના નાગરિકોને `કચ્છમિત્ર'ના માધ્યમથી અપીલ કરતાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકો હવે રોગની ગંભીરતા સમજે. તહેવારોમાં એકબીજાની વધુ નજીક આવવાના પરિણામને કારણે કોરોના કેસમાં વધારો થયો છે અને હવે ઠંડી વધી રહી હોવાથી કેસ પણ વધશે તેવી ચેતવણી છે. દિવાળીના દિવસોમાં છેલ્લા ચાર દિવસોમાં પોઝિટિવ કેસનો આંકડો 100ને પાર કરી ગયો છે. ત્યારે તેમણે કચ્છના દરેક નાગરિકોને વધુ સાવધાની રાખવાની હાકલ કરી હતી. રાજ્યના મોટા-મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં નવેસરથી કર્ફ્યૂ લાદવાની ફરજ પડી છે. અમદાવાદમાં તો સળંગ 30 કલાકની સંચારબંધી લાદી દેવાઈ છે. કચ્છમાં પણ બેદરકારી દર્શાવાશે અને આવું ચાલશે તો કડક પગલાં લેવા તંત્ર તૈયાર છે એમ જણાવીને બે ગજની દૂરી સાથે પોતાના કામકાજ ચાલુ રાખવા સમાહર્તાએ જણાવ્યું હતું. હજુ પણ અનેક એવા લોકે છે જે માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળે છે.  માસ્ક વગર નીકળવું એ વધુ ગંભીર છે, માસ્ક ફરજિયાત છે એટલે હવે ચેકિંગ માટે અમે ટીમો ઉતારશું અને કડક દંડ વસૂલવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. પ્રસંગ હોય કે તહેવાર લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે અને એકબીજા વચ્ચે અંતર રાખતા નથી. કોને ખબર છે કે સામેવાળી વ્યક્તિ પોઝિટિવ છે કે નહીં, દરેક માણસ અગર એમ વિચારશે કે સામેવાળા કોરોના પોઝિટિવ છે તો જ આ બીમારી કાબૂમાં આવશે એટલે તેમણે તમામ નાગરિકોને પ્રસંગો કરવા માટે જે છૂટછાટ અપાઇ છે પરંતુ તેમાં નિયમોનું પાલન કરવામાં આવે તેની તકેદારી રાખવા અને સંક્રમણથી બચવા પણ જણાવ્યું હતું. કલેકટરે જણાવ્યું હતું કે, હવે જાહેર સ્થળોએ પરીક્ષણ વધારી દેવામાં આવ્યા છે. આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને પૂછતાં તેમણે પણ જણાવ્યું હતું કે, અગાઉ બે હજારની આસપાસ રેપિડ ટેસ્ટ થતા હતા હવે દૈનિક 2500 ટેસ્ટિંગ કરવામાં આવે છે. એક બાજુ ઠંડી, તહેવાર અને ચૂંટણીઓના કારણે પોઝિટિવ કેસમાં વધારો થયો છે. આવા સમયે જે લોકોને બહાર નથી નીકળવું એ ઘરે જ રહે અને જેને નીકળવું છે એ અત્યંત તકેદારી રાખે તેવી પણ તેમણે અપીલ કરી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer