જૈનાચાર્ય કલાપ્રભસૂરિશ્વરજી કાળધર્મ પામ્યા

જૈનાચાર્ય કલાપ્રભસૂરિશ્વરજી કાળધર્મ પામ્યા
ગાંધીધામ, તા. 20 : કચ્છ વાગડ દેશોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ વિજય કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય વર્તમાન ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય વિજયકલાપ્રભસૂરિશ્વરજી મ.સા. આજે બપોરે 3.20 વાગ્યે નવકાર મહામંત્રનું ધ્યાન કરતા કરતા સમાધિપૂર્વક ગાંધીધામ ખાતે કાળધર્મ પામ્યા હતા. ભારતભરના શ્વેતાંબર જૈન સમાજના ત્રીજા નંબરના સહુથી મોટા એવા વાગડ સમુદાયના ગચ્છાધિપતિ 800થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના નાયક એવા મધુરભાષી, સહજ સ્વભાવી કલાપ્રભસૂરિશ્વરજીએ આજે કાળધર્મને સ્વીકારીને અનંતલોકે પ્રયાણ કર્યું હતું. મૂળ મારવાડ ફલોદીના રત્ન પૂ. કલાપ્રભસૂરિજીએ માત્ર 11 વર્ષની  કિશોર વયે દીક્ષા ગ્રહણ કરી ઉત્તમોત્તમ ચારિત્ર્યધર્મનું નિર્વહન કરીને લગભગ 70થી વધુની  ઉંમરે કાળધર્મ પામ્યા હતા. ભૂકંપ બાદના તહસ નહસ થયેલા કચ્છ વાગડમાં ગામડે -ગામડે ફરી અનેક જિનાલયો-ઉપાશ્રયો અને સામાજિક પ્રતિષ્ઠાનોને પુન:ઊભા કરવા અને નવા બનાવવામાં તેમનું મહાન પુણ્ય અને સહજતાથી સહુને સાથે રાખવાની સહજ શૈલી સદાય વંદનીય હતી. જૈન શાસનના ઈતિહાસમાં છેલ્લી બેથી ત્રણ શતાબ્દીઓનાં લેખાંજોખાં  કરવામાં આવે તો ભૂકંપ પછીના છેલ્લા 20 વર્ષના ટૂંકાગાળામાં શાસન પ્રભાવના આટલાં ઉત્કૃષ્ટ કાર્યો બહુ ઓછા મહાપૂજ્યોના  હાથે થયાં હશે તેમાં પૂ. કલાપ્રભસૂરિશ્વરજી પ્રથમ પંક્તિમાં થશે. તેમની ઉપસ્થિતિ અને પુણ્યબળથી કોઈપણ સદ્કાર્યમાં ઉપજ કે ફંડ જોઈએ તેના કરતાં હંમેશાં વધુ જ થતું  હતું. દરેક પ્રસંગ કોઈપણ જાતના અહમ્ના ટકરાયા વિના રંગચંગે પાર પડતો હતો.  તેઓ ઈચ્છત તો અનેક ચાતુર્માસ મુંબઈ, સુરત, અમદાવાદ જેવાં મહાનગરમાં કરી શકત, પરંતુ  તેમણે વાગડને પુન:ઊભું કરવાની નેમ સાથે નાના-નાના ગામડાંમાં ચાતુર્માસ કર્યા. કયારેય શિષ્યો બનાવવાનો કે  ભક્તો બનાવવાનો જરા પણ વિશેષ પ્રયાસ નથી કર્યો, પરંતુ સદાય તેમના પુણ્ય તે જતા ત્યાં ત્યારે નંદનવન બની જતું. પૂ. કલાપ્રભસૂરિના સ્વર્ગલોક ગમનને કારણે સમસ્ત જૈન સમાજને કયારેય પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer