આડેસર-સામખિયાળી વચ્ચેથી 46.72 લાખનો દારૂ પકડાયો

આડેસર-સામખિયાળી વચ્ચેથી 46.72 લાખનો દારૂ પકડાયો
ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છમાં દારૂની રેલમછેલ વચ્ચે રાજયની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આડેસર અને સામખિયાળી વચ્ચેથી દારૂ ભરેલી  ટ્રક ઝડપી પાડતાં ભારે ચકચાર પ્રસરી હતી. આ ટીમે નાળિયેરની આડમાં લવાતા રૂા. 46,72,950ના અંગ્રેજી શરાબ સાથે બે શખ્સની ધરપકડ કરી હતી તેમજ સ્થાનિકે દારૂ મગાવનારાઓના નામ પણ બહાર આવ્યાં હતાં. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં માગો ત્યાં દારૂ મળી રહેતો હોવાની વાતને આવા બનાવો પરથી સમર્થન મળે છે. આ જિલ્લામાં આડેસર અને સામખિયાળી બાજુથી દારૂ ઘુસાડવામાં આવે છે. તેમાંય ખાસ કરીને વાગડ પંથકમાં છેલ્લા લાંબા સમયથી દારૂની બદી ફાટીને ધુમાડે ગઈ છે. આ વિસ્તારની અનેક વાડીઓમાં દારૂ સંતાડાયેલો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજયની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગઈકાલે રાત્રે આડેસર બાજુ પેટ્રોલિંગમાં હતી, તેવામાં પૂર્વે મળેલી બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી હતી. આડેસરથી સામખિયાળી વચ્ચે પુલિયાના છેડા ઉપર આ કામગીરી કરાઈ હતી. જિલ્લા બહારથી માલ ભરીને આવતી ટ્રક નંબર જી.જે.09. વાય.9863ને આ ટીમે અટકાવી હતી. તેમાં ઉપરના ભાગે નાળિયેરના કોથળા ભરવામાં આવ્યા હતા અને નીચે દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ કોથળા હટાવીને તપાસ કરાતાં તેમાંથી દારૂની પેટીઓ નીકળી પડી હતી. તેવામાં અશોકકુમાર બંસરાજ ગૈતમ (રહે. ઉત્તરપ્રદેશ)અને અહીંનો તથા માલ લેવા આવનારો  ગાંડા દેવશી ભરવાડ (રહે. પ્રાગપર)ને દબોચી લેવામાં આવ્યો હતો. આ દારૂ પલાંસવાના રામા વજા ભરવાડ અને પુના ભાણા ભરવાડ નામના નામીચા બુટલેગરોએ મંગાવ્યો હતો, તેવું પોલીસે કહ્યું હતું. ટ્રકનો માલિક, વિનય યાદવ તથા માલ મોકલનારા શખ્સો અને  મગાવનારા એમ પાંચ શખ્સ પોલીસના હાથમાં આવ્યા નહોતા.નાળિયેરના કોથળા હટાવી આ વાહનમાંથી રૂા. 46,72,950ની 18,670 બોટલ હસ્તગત કરવામાં આવી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી દારૂ, ટ્રક, મોબાઈલ, રોકડા રૂા. 4120, તાલપત્રી, નકામા નાળિયેરના કોથળા નંગ 120 મળીને રૂા.53,83,770નો  મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.એસ.એમ.સી.ની ટીમે અગાઉ પણ મીઠી રોહરમાં દેશી દારૂ પકડી પાડયો હતો, પરંતુ આ અંગે કોઈની જવાબદારી બેસાડાઈ નહોતી અને કોઈ સામે પગલાં લેવાયાં હોય તેવું જાણમાં નથી. તેવામાં આ ગુણવત્તાસભર કાર્યવાહી બાદ કોઈની વિકેટ પડશે કે પછી આમાં પણ સબ સલામત હૈ ના પાટિયાં મારી દેવામાં આવશે તેવા પ્રશ્નો બહાર આવી રહ્યા છે. આ કાર્યવાહીમાં એસ.એમ.સી.ના પી.આઈ. જે.એમ. પટેલ સાથે રાણાભાઈ કુંગસિયા, મોહન રૂપા ચાવડા, ચેતનકુમાર બારૈયા, ચેતનસિંહ સરવૈયા વગેરે જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer