મહાનગરો તરફ એસ.ટી.-ખાનગી બસોનું પરિવહન ઠપ

મહાનગરો તરફ એસ.ટી.-ખાનગી બસોનું પરિવહન ઠપ
ભુજ, તા. 20 : ગુજરાતભરમાં ઠંડી વધતાં અને દીપોત્સવી તહેવારો દરમ્યાન કારોનાનો કહેર વધતાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતનાં સ્થળે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેતાં કચ્છમાંથી થતું એસ.ટી. તથા ખાનગી બસોનું પરિવહન ઠપ થયું છે. દિવાળી દરમ્યાન લોકો કોરોનાને ભૂલી ઉત્સવો મનાવવા તેમજ બજારોમાં ખરીદી અર્થે નીકળી પડયા હતા, જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી જતાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. જેની અસર રૂપે કચ્છમાંથી ભુજ, અંજાર, નલિયા, માંડવી, મુંદરા, રાપર અને ભચાઉથી ઊપડતી અને અમદાવાદ રાત્રિરોકાણ કરતી 20 જેટલી એસ.ટી. બસોની ટ્રીપ રદ કરી નાખવામાં આવી છે. ચૂંટણીમાં થયેલું માનવીઓનું એકત્રીકરણ પણ કોરોનાના વધતા કેસ માટે જવાબદાર છે. આ ઉપરાંત રાપર-મહેસાણાની 4 ટ્રીપને કલોલ સુધી ટુંકાવવામાં આવી છે, જ્યારે જિલ્લામાંથી દરરોજ અમદાવાદ થઇને જતી 51 જેટલી એસ.ટી. બસને  અમદાવાદના શાંતિપુરા ચોકડીથી એસ.પી. રિંગરોડ થઇ બાયપાસ ચલાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ એસ.ટી. તંત્ર દ્વારા કુલ 75 જેટલી ટ્રીપ રદ અથવા તો ટુંકાવાઇ છે અને બાયપાસ દોડાવવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે.  આ બાબતે વિભાગીય નિયામક ચંદ્રકાંત મહાજનનો સંપર્ક સાધતાં તેમણે આ બાબતને સમર્થન આપ્યું હતું. રાત્રિ સંચારબંધીના કારણે એસ.ટી.ના રૂટ રદ થતાં અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા, તો દિવાળી બહાને કચ્છ આવેલા લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા. જો કે, એસ.ટી. નિગમ દ્વારા કર્ફ્યૂ સિવાયના સમય દરમ્યાન પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે રિ-શિડયુલિંગ કરી બસોનું સંચાલન કરવા પણ જે-તે ડિવિઝનોને સૂચના આપવામાં આવી છે. - ખાનગી બસોયે બંધ : અમદાવાદ સહિતના  શહેરોમાં ફરી કોરોનાનું સંક્રમણ ફેલાતાં કોરોનાકાળ દરમ્યાન એસ.ટી.ની સાથેસાથે બંધ રહેલી ખાનગી બસોનું સંચાલન માંડ પાટે ચડયું હતું ત્યાં અમદાવાદ સહિતના શહેરોમાં ફરી રાત્રિ કર્ફ્યૂ લદાતાં  કચ્છમાંથી રાત્રે ઊપડતી  ખાનગી બસો પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભુજમાં પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની  બસોનું સંચાલન કરતા જગદીશભાઇ જેઠીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ત્રણ દિવસ પૂરતી તમામ સેવા બંધ કરવામાં આવી છે. તેમ દરરોજ રાત્રે 9  વાગ્યે ઊપડતી બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જો કે, સુરત, જામનગર, વડોદરાની બસો બાયપાસ દોડાવાશે. દરમ્યાન તેમની પાસે એડવાન્સ બુકિંગ કરાવનારા મુસાફરો રખડી ન પડે તે માટે તેમને અન્ય બસોમાં વ્યવસ્થા કરી અપાઇ?હતી. તો અમુકને રિફંડ આપી દેવામાં આવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer