અંજાર જથ્થાબંધ શાક માર્કેટમાં 13 પોઝિટિવ

અંજાર જથ્થાબંધ શાક માર્કેટમાં 13 પોઝિટિવ
અંજાર, તા. 20 : ઠંડીનો ચમકારો વધતાં અને તહેવારોની પૂર્ણાહુતિ થતાં જ કોરોના સંક્રમણનો ધીમે ધીમે પગપેસારો વધતો જાય છે. આ બાબતની ગંભીરતા સમજતાં આજે અંજારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની જથ્થાબંધ શાકભાજી માર્કેટમાં વેપારીઓ, કાછિયાઓ, ફેરિયાઓ, મજૂરો તેમજ સામાન્ય નાગરિકો માટે કોરોના પરીક્ષણ કરાતાં 13 જણ પોઝિટિવ આવ્યા હતા. શાક માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમ અને તેમના સહયોગ અર્થે આવેલી પોલીસની ટીમ રેપિડ ટેસ્ટ કિટ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરાવવા અર્થે પહોંચી હતી, પરંતુ ટેસ્ટિંગના નામથી ભયભીત થઇને અનેક ફેરિયાઓ અને મજૂરો ટેસ્ટિંગ કરાવ્યા વિના જ ભાગી ગયા હતા. જેથી આરોગ્ય ટીમ અને પોલીસ ટીમે લોકોને ટેસ્ટિંગ કરાવવા માટે ફરજ પાડી હતી. અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે જેના કારણે અહીં કોરોના સંક્રમણ પણ સૌથી વધુ હોવાનો ભય સાચો ઠર્યો હતો. લોકોને સમજાવ્યા બાદ 113 લોકોના રેપિડ કિટ દ્વારા ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 13 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ રિપોર્ટ આવનાર વ્યક્તિઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુ તકલીફ જણાતાં આરોગ્ય વિભાગનો તુરંત સંપર્ક સાધવામાં આવે એવું જણાવાયું હતું. આરોગ્ય ટીમ વતી ડો. અમી રાઠોડ, ડો. જશરાજ ભાનુશાલી, ડો. વૈભવ શ્રોફ, ડો. કાર્તિક ટાંક તેમજ માનસી જેઠવાએ સેવા આપી હતી તેમજ પોલીસના પી.એસ.આઇ. જી.કે. વહુનિયા, એ.એસ.આઇ. સી.એ. તડવી, કોન્સ્ટેબલ પરેશ બારૈયા તેમજ કોન્સ્ટેબલ ધીરા ભીખા જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer