-અને હવે અબડાસાના બાંડિયાની સીમમાં પવનચક્કીએ મોર માર્યો

-અને હવે અબડાસાના બાંડિયાની સીમમાં પવનચક્કીએ મોર માર્યો
નલિયા (તા. અબડાસા), તા. 20 : અબડાસાનાં બાંડિયા ગામે પવનચક્કીની વીજલાઇનમાંથી રાષ્ટ્રીય પક્ષી મેરને વીજઆંચકો લાગતાં આજે સવારે વધુ એક મોત થયું હતું. બાંડિયા ગામની પશ્ચિમ બાજુ ગામથી અડધો કિ.મી.નાં અંતરે પસાર થતી પવનચક્કીની વીજલાઇનના સંપર્કમાં આવી જતાં મોરને જોરદાર વીજઆંચકો લાગ્યો હતો. જમીનમાં પટકાયેલા આ રૂપકડાં પક્ષી મોરનું તત્કાળ પ્રાણ પંખેરું ઊંડી જતાં પક્ષીપ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઇ છે. બનાવ સ્થળેથી સવારે માલધારીઓ પસાર થતાં તેમણે ગ્રામજનોને જાણ કરતાં 40થી 50 જણનું ટોળું એકઠું થયું હતું. ગામના સરપંચ કીર્તિસિંહ જાડેજા, સચિનસિંહ જાડેજા, ગંઢેર ધનજી નથુ, ઉમર વેણ, ઓસમાણ વેણ, ચંદુલાલ ભાનુશાલી, ગોપાલ ભાનુશાલી, આદિલ કાઠી, ઇમરાન કાઠી વગેરે બનાવ સ્થળે ધસી ગયા હતા અને જંગલ ખાતાને જાણ કરી હતી. ગ્રામજનોના જણાવ્યાનુસાર પવનચક્કીની વીજલાઇનના કારણે જંગલમાં પક્ષીસૃષ્ટિને ભારે નુકસાન થઇ રહ્યું છે. ગામની નજીક જો પક્ષીનું મોત થાય તો તેની ગામમાં ખબર પડે છે, પણ સીમમાં આવા બનાવોની કોઇને ખબર પડતી નથી, જેથી પવનચક્કીની વીજલાઇન ભૂગર્ભમાંથી નાખવાની ગ્રામજનોએ માગણી કરી હતી. બીજી તરફ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અબડાસાએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આવા બનાવો ન બને તે હેતુથી ભૂગર્ભમાંથી પવનચક્કીની વીજલાઇન પાથરવા માગણી કરતાં જણાવ્યું હતું કે, મોરની સંખ્યા બે હજારથી 2200 જેટલી છે. મોરનું મોત થશે તો રાષ્ટ્રીય પક્ષી વિલુપ્ત થઈ જશે, જો માગણી નહીં સંતોષાય તો આંદોલન થશે, તેવું પ્રમુખ રજાક ઉઠારએ આવેદનપત્રમાં જણાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer