નાગ્રેચામાં ખેતરની ઓરડીમાં ધરબી રખાયેલો સવા લાખનો શરાબ ઝડપાયો

નાગ્રેચામાં ખેતરની ઓરડીમાં ધરબી રખાયેલો સવા લાખનો શરાબ ઝડપાયો
ગઢશીશા (તા. માંડવી), તા. 20 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકાના નાગ્રેચા ગામે બાતમીના આધારે ગઢશીશા પોલીસે દરોડો પાડીને રૂા. 1.26 લાખની કિંમતની ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબની 360 બાટલી પકડી પાડી હતી. અલબત્ત આ દરોડાની કાર્યવાહી સમયે આરોપી મૂળ નાગ્રેચાનો અને હાલે ભુજ રહેતો સંપતાસિંહ ઉર્ફે પિન્ટુ રઘુવીરાસિંહ જાડેજા હાજર ન હોવાથી હાથમાં આવ્યો ન હતો. ગઢશીશા પોલીસ મથકના સહાયક ફોજદાર રામસંગજી સાહેબજી સોઢાને મળેલી બાતમીના આધારે ઇન્સ્પેક્ટર આર.ડી. ગોજિયાના નેતૃત્વ તળે નાગ્રેચા ગામની ઉત્તર દિશાએ ખાણોની પછવાડે આવેલા વાડીવિસ્તાર સ્થિત આરોપી સંપતાસિંહ ઉર્ફે પિન્ટુ જાડેજાના વાડી નામના ખેતરમાં ગત મોડી રાત્રે આ દરોડો પડાયો હતો.  સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ ખેતરમાં આવેલી ઓરડીમાં તાલપત્રી નીચે ઢાંકી છુપાવી રખાયેલા શરાબની બાટલીઓ ભરેલા ખોખા અને એક ડ્રમમાં રખાયેલી બાટલીઓ મળી કુલ 360 બાટલી શરાબ પોલીસને મળી આવ્યો હતો. આ જથ્થાની કિંમત રૂા. 1.26 લાખ અંકારવામાં આવી છે. દરોડા સમયે આરોપી પિન્ટુ સ્થળ ઉપર હાજર ન હોવાથી પકડાયો ન હતો. પોલીસે તેની સામે વિધિવત ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ તહોમતદાર પકડાયે પ્રકરણ સંલગ્ન વધુ કડીઓ બહાર આવવાની સંભાવના જોવાઇ રહી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer