ભુજમાં રાત્રિના એ અકસ્માતમાં એ.ટી.એમ. સલામતી રક્ષક સહિતના ચાર જણ ઘવાયા

ભુજમાં રાત્રિના એ અકસ્માતમાં એ.ટી.એમ. સલામતી રક્ષક સહિતના ચાર જણ ઘવાયા
ભુજ, તા. 20 : શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ વિસ્તારમાં એન્કરવાલા ચકરાવા નજીક ગઇકાલે ગુરુવારની રાત્રે બેકાબૂ ટ્રેઇલર એ.ટી.એમ. સંકુલમાં ઘૂસી જવાથી થયેલા અકસ્માતમાં એ.ટી.એમ. ખાતે ફરજ ઉપરના સલામતી રક્ષક અને ટ્રેઇલરના ચાલક સહિતના ચાર જણ જખ્મી થયા હતા, જેમને સારવાર તળે રખાયા છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ કિસ્સામાં માધાપરના વિશ્રામ શિવજી રાબડિયા (ઉ.વ.55) અને તેમના પત્ની અમૃતબેન (ઉ.વ.53) ઉપરાંત ખાનગી સલામતી રક્ષક ભુજના જયનગર ખાતે રહેતા બાબુલાલ વિરજી સોલંકી (ઉ.વ.45) અને ટ્રેઇલરના ચાલક મૂળ બિહારના અને હાલે માધાપર રહેતા વિશ્વનાથ દેવનાથ ભગત (ઉ.વ. 40) જખ્મી થયા હતા. આ ચારેયને અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. પોલીસ સમક્ષ લખાવાયેલી પ્રાથમિક કેફિયત અનુસાર ટ્રેઇલરના બ્રેક ફેઇલ થઇ જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ વચ્ચે આ બનાવના પગલે જાગૃત લોકોએ આ ચકરાવાની ઊંચાઇનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઊંચાઇ થોડી ઓછી કરાય તો આવી ઘટનાઓ નિવારી શકાય તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer