લાભ પાંચમના વિશિષ્ટ સરસ્વતી વંદના યોજાઇ

લાભ પાંચમના વિશિષ્ટ સરસ્વતી વંદના યોજાઇ
ભુજ, તા. 20 : `વાંચે કચ્છ વિકસે કચ્છ'ના ઉત્તમ વિચાર સાથે કે. પી. શાહ લો કોલેજ જામનગરના પૂર્વ ગ્રંથપાલ સ્વ. પ્રદીપભાઈ મધુકાન્ત  છાયાની સ્મૃતિમાં ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ અને કચ્છમિત્ર સંચાલિત ફરતી પુસ્તક પરબ લાભપંચમીના વિશિષ્ટ સરસ્વતી વંદન સાથે ભુજના હૃદય સમા હમીરસર તળાવના ઓટલે યોજાઈ. `વાંચન દ્વારા વિચાર અને વિચાર દ્વારા વ્યક્તિત્વ ઘડતર'ના સુંદર વિચાર સાથે  ઇન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિ અંતાણી સાથે નીલેશ મહેતાના માર્ગદર્શનમાં આ પુસ્તક પરબનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓના સહયોગથી ભુજ અને આસપાસના ગામોમાં આ ફરતી પુસ્તક પરબનો લાભ સહુને મળી શકે એવું આયોજન છે.  ભાવક મૂલ્યાંકનની થયેલી જાહેરાતના સંદર્ભે ભુજના 36 અને નારાણપરના 32 વાંચનપ્રેમીઓએ તેમાં ભાગ લેવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી. જે પૈકી આ ભાવક મૂલ્યાંકન કરીને આપેલી સમયમર્યાદામાં પોતાની કૃતિ  મોકલી આપનાર 58  ભાવક મૂલ્યાંકનકારને તેમના આ સુંદર પ્રયત્ન બદલ આયોજક સંસ્થા અને  જાહ્નવી પ્રદીપ છાયા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.  પ્રોત્સાહન રૂપે સહુને એક પુસ્તક અને રોકડ પુરસ્કાર જાહ્નવી  છાયા અને વિશાખા અંતાણી હસ્તે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને કચ્છમિત્ર દૈનિકના તંત્રી દીપક માંકડ, વ્યવસ્થાપક શૈલેષ કંસારા સહિત કચ્છમિત્ર  પરિવારે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. ઉપસ્થિત  સહુ વાંચનપ્રેમીઓએ હકારાત્મકતા વાવવાના સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ફરતી પુસ્તક પરબના કો.-ઓર્ડિનેટર જાગૃતિ વકીલે કર્યું હતું. વ્યવસ્થા જિજ્ઞા જોશી, કલ્પનાબહેન ચોથાણી તથા રાધિકા ગોસ્વામીએ સાંભળી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer