બે ગાયોના મોઢાના કેન્સરની શત્રક્રિયા થઈ

બે ગાયોના મોઢાના કેન્સરની શત્રક્રિયા થઈ
મુંદરા, તા. 20 : માણસની જેમ જાનવરોમાં પણ મોઢાના કેન્સર થાય છે અને કેન્સરગ્રસ્ત ભાગને શત્રક્રિયાથી દૂર કરી નાખવામાં આવે છે. તાજેતરમાં જીવરક્ષા ક્ષેત્રે કાર્યરત પ્રાગપુર રોડ સ્થિત ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર સંચાલિત એન્કરવાલા અહિંસાધામ મધ્યે 2 વર્ષની ગાયને પેઢાનું કેન્સર હોતાં પડકારરૂપ ઓપરેશન કરી ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે આજથી 6થી 8 મહિના પહેલાં સારવાર અર્થે આવેલી ગાયના પેઢામાં કેન્સર છે તેવું નિદાન થયું હતું અને ગાય મોં ખોલી શકતી ન હતી. દવાની ખાસ અસર ન થતાં છેવટે અહિંસાધામના પશુ ચિકિત્સક હર્ષલભાઈ સોલંકીને ગાયના મોંના નીચેના જડબાના પેઢા અને દાંતને ઓપરેશન કરી દૂર કરી નાખ્યા હતા. અંદાજે પોણી કલાક ચાલેલા ઓપરેશનમાં કેન્સરગ્રસ્ત ભાગને કાપીને દૂર કરી નાખ્યો હતો અને લાંબા સમયથી ન ખૂલતાં મોંને ખોલી નાખી તેને દુ:ખ દર્દમાંથી મુક્ત કરી હતી. ડો. હર્ષલના જણાવ્યા અનુસાર ઓપરેશન બાદ ગાય સ્વસ્થ થઈ છે અને હવે રાબેતા મુજબ ખોરાક લઈ શકશે. જો કે તે સીમમાં ચરવા જઈ શકશે નહીં પણ અહિંસાધામ ખાતે જ પોતાનું જીવન વ્યતિત કરશે. તેમણે જણાવ્યું કે, જડબાના પેઢા અને તેની સાથે જોડાયેલા દાંતને ગાયના મોંમાંથી કાપીને દૂર કરવાનું કામ પડકારરૂપ હતું. સમગ્ર ઓપરેશન દરમ્યાન ડો. મનીષાબેન ચાવડા અને અહિંસાધામની તબીબી ટીમના સભ્યો સાથે રહ્યા હતા.પેઢાના કેન્સર (ઓડેન્ટોમા) જાનવરોમાં બહુ ઓછા જોવા મળે છે. કેન્સરની ગાંઠ વધતાં ગાયે ખોરાક અને પાણી લેવાનું બંધ કર્યું હતું બાદમાં ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ તો મલ્ટિસ્પેશિયાલિટી વેટરનરી હોસ્પિટલના નાના-મોટા ઓપરેશનો અવાર-નવાર થતા હોય છે અને જટિલ ઓપરેશન કે તેની સારવારનો ખર્ચ પણ વધુ આવતો હોય છે. જાનવરોના ક્રિટિકલ કેસ સમગ્ર કચ્છમાંથી અહિંસાધામ મધ્યે આવે છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer