દેવપુરમાં વિશલ માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત

દેવપુરમાં વિશલ માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 20 : અહીંના ગાલા પરિવારના કુળદેવી વિશલ માતાજીના નૂતન મંદિરનું વાજતે- ગાજતે ખાતમૂહુર્ત કરાયું હતું. સરકારની માર્ગદર્શિકા મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાં ગામને ઉપયોગી બે સંસ્થાઓ બાલમંદિર અને વાંચનાલયના સંચાલનની જવાબદારી કચ્છ દેવપુર ગાલા ભાવિક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. પાંચ દાયકા જૂના અને જીર્ણ થયેલાં કુળદેવી વિશલ માતાજીના મંદિરનું નૂતનીકરણ કરવાનું આયોજન કરાયું હતું. દાતા મંજુલાબેન મૂલચંદ નાનજી ગાલા હસ્તે વિશાલ મૂલચંદ નાનજી ગાલા (અમદાવાદ)ના સંપૂર્ણ સહયોગથી નવા મંદિરનું નિર્માણ કરાશે. કાર્યક્રમના પ્રારંભે ભગવાન ગોડીજી પાર્શ્વાનાથના દેરાસરથી જૈન મહાજનવાડી સુધી વાજતે-ગાજતે સામૈયું નીકળ્યું હતું. હંસાવલીશ્રીજી મ.સા. અને ચંદ્રશિલાશ્રીજી મ.સા.એ માંગલિક સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. દાતા પરિવારવતી નિયાણી બહેનો અવનીબેન અને પારૂબેનના હસ્તે પૂજન થયું હતું. આ પ્રસંગે કચ્છ દેવપુર વિશલ માતાજી ગાલા ભાવિક મંડળના લક્ષ્મીચંદ રામજી ગાલા, ધનસુખલાલ જેવત ગાલા, લક્ષ્મીચંદ જીવરાજ ગાલા, મણિલાલ રવજી ગાલા, તેજશી શામજી ગાલા, મણિલાલ ડાયા ગાલા, મોરારજી ખીમજી ગાલા, કાંતિલાલ રામજી ગાલા શાસ્ત્રોકત વિધિથી યોજાયેલા પૂજનમાં જોડાયા હતા. જૈન મહાજનના મોભીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક અને મુંબઇથી આવેલા ભાવિકો જોડાયા હતા. દેશની આઝાદી બાદથી દેવપુર નવોદિત મિત્ર મિલન દ્વારા ગામના લોકોની સુખાકારી માટે ચાલતા બાલમંદિર અને લાયબ્રેરીને સંચાલન માટે હસ્તાંતર કરાયા હતા. ગામમાં ચાલતું બાલમંદિર ગામના બાળકોના પાયાના શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યા અગાઉ બાળકનું અહીં સારી રીતે ઘડતર કરાય છે. નવોદિત મિત્ર મિલન સંચાલિત બાલમંદિર અને વાંચનાલયનું સંચાલન હવેથી કચ્છ દેવપુર ગાલા ભાવિક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાશે. બાલમંદિરમાં સુવિધાઓ વધારવાની સાથે લાયબ્રેરીનું આધુનિકીકરણ કરીને ગામને વધુમાં વધુ ઉપયોગી બની રહેવા ટ્રસ્ટ વતી લક્ષ્મીચંદ, ધનસુખલાલ, તેજશી, મોરારજી,  કાંતિલાલ, મૂલચંદ અને અશોક ગાલા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ખાતરી અપાઇ હતી. સંચાલન લક્ષ્મીચંદ ગાલાએ કર્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer