રાજકોટ, સુરત, વડોદરામાં પણ રાત્રે ઘરબંધી

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલથી રાતે 9થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય રાજ્યસરકારે કર્યો છે.ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન વિજય  રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચ સમિતિની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યસરકારનો કોરોના સંક્રમણ મહાનગરોમાં વ્યાપક થતું અટકાવવા આગોતરાં પગલાં અને તકેદારીરૂપે મહત્ત્વપૂર્ણ નિર્ણય આજની હાઇપાવર કમિટીમાં કરાયો છે. જે મુજબ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલ 21 નવેમ્બરને શનિવારથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુનો અમલ કરાશે. આ નાઇટ કરફ્યુ અન્ય જાહેરાત સરકાર દ્વારા ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.  નીતિન પટેલે સંચારબંધીની અમલવારી અંગે ગૃહ વિભાગની નોટિફિકેશન અંગે જાણકારી આપી હતી અને વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, રાજ્યની પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી. સ્થિતિ કંટ્રોલમાં છે. તમામ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને તંત્ર સજ્જ છે. સોશિયલ મીડિયામાં જે અફવાઓ સામે આવી રહી છે. તેના પર વિશ્વાસ ન કરો. સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં પથારી છે.  અમદાવાદમાં લાગેલા 57 કલાકના કરફ્યુ વિશે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે અને સ્થિતિને પહોંચી વળતા કરફ્યુ રાખવો જરૂરી બની ગયો છે. આપણને તહેવારોની ઉજવણી દરમિયાન કોરોનાને આમંત્રણ આપ્યું હતું. જેના કારણે સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અમદાવાદને બાદ કરતાં અન્ય શહેરોમાં કરફ્યુ આપવો કે નહીં તે વિશે વિચારણા ચાલી હતી. જે મુજબ, અમદાવાદની જેમ જ રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલથી રાત્રી કરફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે. સુરત, વડોદરા અને રાજકોટમાં સેવાકીય સંસ્થાઓ, વેપારી સંગઠનો રાત્રી દરમિયાન સામે પગલે આવતી માંગણીને ધ્યાનમાં રાખીને કોર કમિટી દ્વારા સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં આવતીકાલે શનિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બીજો કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. દરમિયાન નીતિનભાઇએ જણાવ્યું કે, હું દરેકે દરેક નાગરિકને આશ્વસ્ત કરવા માંગુ છું કે, સરકાર તમામ સ્થિતિ માટે તૈયાર છે. મોટા પ્રમાણમાં બેડ ખાલી છે અને વધારે પથારી અને કોવિડ વોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. નાગરિકોએ કોઇપણ અફવાથી દોરવાવાની જરૂર નથી. કોરોનાની સ્થિતિ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં પ્રમાણમાં વિકટ છે. જે દર્દી આવે તેને સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer