રાજ્યમાં ફરી લોકડાઉન નહીં : રૂપાણી

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં પહેલાં ચૂંટણી અને ત્યાર બાદ દિવાળીના તહેવાર પછી કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં 6 કલાકના કરફયૂ અને રાત્રિ સંચારબંધી લાગુ થઈ છે ત્યારે સમગ્ર રાજ્યોમાં ફરી લોકડાઉન લાગુ થશે એવી અટકળોનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નકારી કાઢી છે. દિવાળીમાં લોકો મોટી સંખ્યામાં ફરવા કે, ખરીદી કરવા નીકળ્યા હોવાના કારણે કોરોનાના કેસ રાજ્યમાં વધ્યા હતા. રાજ્યમાં હવે પહેલાની જેમ જ છેલ્લા 4થી 5 દિવસથી કોરોનાના કેસ 1,000થી 1,200ની વચ્ચે સામે આવી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અમદાવાદ શહેરની છે. એટલા માટે અમદાવાદમાં શુક્રવારે એટલે કે, આજે રાત્રે 9 વાગ્યાથી લઇને સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યૂની જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયામાં ગુજરાતમાં ફરી એક વખત લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવી વાતોએ જોર પકડ્યું હતું. ત્યારે અંબાજી માતાના દર્શને ગયેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન લાગુ કરવા બાબતે સરકારની કોઈ વિચારણા નથી. જે એક માત્ર અફવા છે. અફવાઓ પર લોકોએ ધ્યાન ન આપવું જોઈએ. સાવચેતી માટે અમદાવાદમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે.રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફરીથી લોકોડાઉનની કોઈ વાત નથી. સાવચેતીના પગલા રૂપે આપણે શનિવાર અને રવિવાર એટલે રજાના દિવસોમાં અમદાવાદ પૂરતુ કર્ફ્યૂ રાખ્યું છે. સાથે જ પોલીસ કાર્યવાહી, માસ્ક ન પહેરનારા લોકોને દંડ, શહેરમાં ભીડ ન થાય આ બધી સાવચેતી માટે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. તો સાથે જ સ્કૂલો ક્યારે ખૂલશે તે અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે, શાળા ખૂલવા અંગે ઉચ્ચ સમિતિની બેઠક મળશે. તેના બાદ ગુજરાતમાં શાળા ખૂલવા અંગે વિચારણા કરશે. હાલ રાજ્યમાં કોઈ સ્કૂલો નહિ ખૂલે.ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર પછી કોરોનાના કેસ વધતા સોશિયલ મીડિયામાં લોકડાઉનની અફવાઓએ જોર પકડ્યું હતું અને તે સમયે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ લોકડાઉન બાબતે સરકારની કોઈ વિચારણા નહીં હોવાનું નિવેદન આપ્યું હતું અને હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં લોકડાઉન બાબતે સરકારની વિચારણા નહીં હોવાનું નિવેદન આપ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer