સંક્રમણ વધતા દેશ-દુનિયા ફરી સંચારબંધીના માર્ગે

નવીદિલ્હી, તા.20: ઠંડીમાં વધારો અને તહેવારોની મોસમ વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોનાનાં કેસમાં ઝડપી વધારો થવા લાગ્યો છે. દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશનાં અનેક ભાગોમાં સંક્રમિતોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. જેને પગલે રાજ્ય સરકારો ફરી એકવાર સખ્તાઈભર્યા પગલાંનો વિચાર કરવાં લાગી છે. જેમાં નાઈટ કર્ફ્યૂથી લઈને લોકડાઉન સુધીનાં વિકલ્પોની વિચારણા ચાલી રહી છે. દેશનાં અનેક ભાગોમાં તો આવા પગલાઓ લેવામાં પણ આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ચોમેર એક જ સવાલ ચર્ચામાં છે કે શું ફરીથી દેશ માર્ચ જેવી સ્થિતિમાં ગરક થઈ રહ્યો છે? જેમાં લોકોને પોતાનાં ઘરોની ભીતર કેદ થવાની ફરજ પડી હતી. હુ દ્વારા આપવામાં આવેલી ચેતવણી અને યુરોપીયન દેશોનાં અનુભવો તો એ તરફ જ ઈશારો કરી રહ્યા છે. જો કે જાણકારોનાં મતે હવે સમગ્ર દેશમાં લોકડાઉન નહીં આવે પણ અધિક કેસોવાળા જિલ્લા અને શહેરોમાં ફરીથી લોકડાઉન આવી શકે છે. ઉત્તરપ્રદેશનાં હાપુડ જિલ્લાનાં ગઢમુક્તેશ્વરમાં 2પથી 30 નવેમ્બર સુધી લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. તો ગુજરાતનાં અમદાવાદમાં શનિ અને રવિવારે પૂર્ણ કર્ફ્યૂની જાહેરાત થઈ ગઈ છે. રાજધાની દિલ્હીની હાલત કોરોનામાં સૌથી વધુ કફોડી છે અને ત્યાં માસ્કનાં દંડની રકમમાં  તગડો વધારો ઝીંકી દેવાયો છે. લગ્નોમાં પણ મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે અને છઠ્ઠ પૂજા માટે લોકોને નદી, તળાવ ઉપર જવાની મંજૂરી પણ આપવામાં નથી આવી. મધ્યપ્રદેશની સરકાર પણ રાજ્યની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને આગળનાં પગલા માટે મંથન કરી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ)નાં ક્ષેત્રીય વડાએ કહ્યું છે કે, ઠંડી શરૂ થતાં સમગ્ર પશ્ચિમ એશિયામાં કોરોનાનો ભરડો વધવા લાગ્યો છે. જેને પગલે ફરીથી પાબંદીઓ લાદવાની અને બચાવનાં પગલા ભરવાની જરૂરીયાત ઉભી થઈ છે. દુનિયાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પ.48 કરોડ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેને પગલે ફરીથી અનેક દેશોમાં લોકડાઉન સહિતનાં આકરા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અમેરિકાનાં ઓહિયો પ્રાંતમાં તો 21 દિવસનો કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. આયોવા, નોર્થ અને સાઉથ ડકોટા, યૂટા પ્રાંતમાં માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. શાળાઓને ખોલવાનું આયોજન પણ હાલ સ્થગિત કરી દેવાયું છે. સ્કોટલેન્ડમાં અચાનક વધી રહેલા પોઝિટિવ કેસને ધ્યાને લેતા ત્રીજા અને ચોથા સ્તરનાં પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. બ્રિટનમાં પણ ચોથા સ્તરનાં નિયંત્રણો લાગુ રહેશે. ક્રિસમસમાં પણ લોકોને ઘરોમાં સાતથી આઠ લોકોને એકઠા કરીને જ ઉજવણી કરવાની છૂટ રહેશે. અહીં સરકારે એક માસનાં લોકડાઉનની જાહેરાત અગાઉથી કરી દીધેલી છે. ફ્રાન્સમાં પણ 9 પ્રમુખ શહેરોમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. પેરિસ સહિતનાં શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ રહેશે. જર્મનીમાં લોકોને પોતાનાં ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોને એકઠા થવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવેલી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે 10 દિવસનાં પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરેલી છે. આ ઉપરાંત ઈટાલી, ઓસ્ટ્રીયા, પોર્ટુગલ સહિતનાં દેશો પણ ઘણાં સમયથી અનેક પ્રકારની બંધીઓ લાગુ કરી ચૂકેલા છે. ઈટાલી, બેલ્જીયમમાં હોટેલ, રેસ્ટોરાં અને શાળા કોલેજો બંધ કરાવી દેવામાં આવેલા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer