`પ્રખ્યાત'' રેમડેસિવિર દવા પર લગાવાઈ રોક !

નવી દિલ્હી, તા. 20 : કોરોના વાયરસના ઈલાજ માટે શરૂઆતમાં ભારે અક્સીર મનાતી રેમડેસિવિર દવાની ગંભીર દર્દીઓ પર અસર થતી નહીં હોવાનું સામે આવતાં વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ ગિલિયડ સાયન્સીઝની આ દવાના ઉપયોગ પર રોક મૂકી દીધી છે.  તજજ્ઞોની સમિતિએ વૈશ્વિક પરીક્ષણોનાં પરિણામો સામે આવ્યા બાદ રેમડેસિવિર દવાના ઉપયોગ પર રોક મૂકવાની ભલામણ કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દવા પર રોક મૂકવાનો ફેંસલો તેની નિર્માતા કંપની માટે મોટો ઝટકો છે. ગિલિયડ સાયન્સીઝ  કંપનીએ `હુ'નાં પરીક્ષણ સામે સવાલ ઉઠાવ્યો છે. અનેક અભ્યાસમાં એવી વાત સામે આવી છે કે, રેમડેસિવિર દવા કોરોના વાયરસને નષ્ટ કરવા માટે અસરકારક છે અને દર્દી તેનાથી જલદી સાજા થાય છે, તેવો દાવો કંપનીએ કર્યો હતો. ગિલિયડ સાયન્સીઝે કહ્યું હતું કે, દુનિયાભરમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે અને તબીબો સૌથી પહેલો ભરોસો રેમડેસિવિર પર કરે છે, તેવા સમયે `હુ'ના દિશાનિર્દેશ નિરાશ કરનારા છે. બીજી તરફ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ દ્વારા રેમડેસિવિર દર્દીઓના સાજા થવાના સમયને પાંચ દિવસ સુધી ઘટાડી શકે છે, તેવા દાવા બાદ અમેરિકાએ તેને મંજૂરી આપી દીધી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer