ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે પુજારાની નેટમાં ખાસ પ્રેકટીસ

સિડની, તા.20: કોરોના મહામારીને લીધે માર્ચ મહિનાથી ક્રિકેટ મેચ ન રમનાર ટીમ ઇન્ડિયાની દીવાલ ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા સામેની આગામી ચાર ટેસ્ટની શ્રેણીની જોરદાર તૈયારી કરી રહ્યો છે. તે નેટમાં ભરપૂર બેટિંગ પ્રેકટીસ કરી રહ્યો છે. આ દરમિયાન તે ઝડપી  બોલરો સામે સહજતાથી રમતો જોવા મળ્યો હતો. પુજારાએ ગઇકાલે સાઇડ નેટ અને સેન્ટર સ્ટ્રિપ બન્ને પર બેટિંગ પ્રેકટીસ કરી હતી. તેણે નેટ બોલર ઇશાનો પોરેલ, કાર્તિક ત્યાગી ઉપરાંત ઉમેશ યાદવ અને સ્પિનર અશ્વિનની બોલિંગનો સહજતાથી સામનો કર્યો હતો. બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર ચેતેશ્વર પુજારની નેટ પ્રેકટીસનો વીડિયો ચાહકો માટે શેર કર્યો છે. ભારતીય ટીમને 14 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડમાં અભ્યાસ કરવાની છૂટ મળી છે. ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓને આઇપીએલમાં રમવાનો મોકો પ્રાપ્ત થયો હતો, પરંતુ ચેતેશ્વર પુજારા અને હનુમા વિહારી આઇપીએલનો હિસ્સો ન હતો. આથી તેનો માર્ચ બાદ પહેલીવાર હવે રમશે. પુજારાએ તેનો અંતિમ મુકાબલો રણજી ટ્રોફી ફાઇનલ મેચ રમ્યો હતો. બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં ભારતને મળેલી ઐતિહાસિક જીતમાં પુજારાની મુખ્ય ભૂમિકા રહી હતી. આ વખતે પણ પુજારાની ભૂમિકા વિશેષ બની રહેશે. કારણ કે સુકાની વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરી રહ્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer