47 પાણી યોજનાને અપાઇ મંજૂરી

ભુજ, તા. 20 : કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં 47 યોજનાઓની રૂા.585.72 લાખોના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.આ યોજનાના અમલીકરણથી 2085 જેટલા ઘર ઘર નળ જોડાણની સંખ્યામાં વધારો થશે. જેમાં અંજારના ચાન્દ્રોડા અને ભુજના ભારાસર ગામની સુધારા મંજૂરી પેઠે એકત્રિત લોકફાળાની રકમ રૂા.4.03 લાખ પાણી સમિતિ દ્વારા ભરવામાં આવી હતી.જિલ્લામાં કુલ ઘર પૈકી નળ જોડાણ ના ધરાવતા 15291 ઘરોમાં નજીકના સમયમાં વાસ્મો દ્વારા કામગીરી પૂર્ણ કરાશે. કલેકટરે જળ જોડાણ ના ધરાવતા ઘરો, આંગણવાડી અને શાળાઓમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સંબંધિતોને જણાવ્યું હતું. નક્કર કામગીરીથી ચોકકસ પરિણામ આપવા તેમણે જણાવ્યું હતું. તેમણે ભુજમાં તેમજ અન્યત્ર પીવાનું પાણી પૂરું પાડવા તાકીદ કરતાં સંબંધિતને તત્કાલ અમલના આદેશ કર્યા હતા.`વાસ્મો'  ભુજના યુનિટ મેનેજર સહ કાર્યપાલક ઈજનેર ડી.સી. કટારિયાએ જિલ્લાની સમગ્ર વિગતોથી વિગતે કલેકટરને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં વિવિધ સરકારી કે અન્ય ગ્રાન્ટમાંથી 3 જેટલા ગામોમાં 132 જેટલા ઘરમાં નળ જોડાણમાં વધારો થયો છે. જિલ્લાના 964 ગામો પૈકી 803 ગામો 100 ટકા નળ જોડાણ ધરાવે છે જયારે 161 ગામોમાં 100 નળ જોડાણ કામ બાકી છે. વાસ્મોએ 225 બાકી રહેતા ગામોની કામગીરી કરવાની છે. જયારે બન્ની વિસ્તારમાં નળ પાણી માટે કલસ્ટર સ્ટોરેજની કામગીરી પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવાની છે. વાસ્મો દ્વારા 49 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાની છે. જે પૈકી 9ના કામો પ્રગતિમાં છે. ઉલ્લેખનીય છે કે, જળસમિતિ કુલ 141 મંજૂર થયેલી યોજના પૈકી 56 યોજના પૂર્ણ છે બાકીના કામો પ્રગતિમાં છે. બેઠકમાં  ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી  એમ.કે. જોશી, આઇસીડીએસ પ્રતિનિધિ નીતાબેન ઓઝા, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર એ.પી. તિવારી, અંજાર-ભચાઉના કાર્યપાલક ઈજનેર એસ.એચ. શાહ, જિલ્લા શિક્ષણ કચેરીના જે.બી. સથવારા, વાસ્મો જિલ્લા કો.ઓર્ડિનેટર ડિમ્પલ શાહ, વાસ્મો મેનેજર એડમીન હાર્દિક ધોળકિયા વગેરે હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer