કચ્છને સૌરાષ્ટ્ર સાથે સાંકળતી દરિયાઈ ફેરી સર્વિસ શરૂ કરો

ગાંધીધામ, તા. 20 : કચ્છ અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડવા અને સુવિધામાં વધારો કરવા આ રૂટમાં ફેરી સર્વિસ શરૂ કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ માંગ કરી હતી. સમિતિના મંત્રી ગોવિંદ દનિચાએ એક યાદીમાં કહ્યંy હતું કે  તાજેતરમાં ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા વચ્ચે ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં દેશમાં અનેક સ્થળે આવી ફેરી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. એક વર્ષ અગાઉ માંડવીથી  દ્વારકા વચ્ચે  દરિયાઈ માર્ગે ફેરી સર્વિસ શરૂ થઈ હતી, જેને બંધ કરી દેવાઈ હતી. કચ્છને અમૂલ્ય ભેટ આપવાની જાહેરાત સાથે શરૂ થયેલી આ સેવાને એક વર્ષમાં ગ્રહણ લાગ્યું  છે.કરોડોનો ખર્ચ દરિયાનાં પાણીમાં વહાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર  આક્ષેપ પણ આ યાદીમાં કરાયો છે. સરકાર અને સરકારી તંત્રો દ્વારા આ યોજના બાબતે ખાનગી કંપનીઓ પ્રત્યે અસહકારના વલણથી આ લોકહિતની સેવાને અભેરાઈએ ચડાવી દેવાઈ છે.એક વર્ષ સુધી ચાલેલી  આ ફેરી સર્વિસનું ડ્રેજિંગના અભાવે પૂરતો ડ્રાફટ ન મળવાની સાથે સરકારના પૂરતા સહયોગના અભાવે  બાળમરણ થયું  હોવાનું તેમણે કહ્યુંy હતું. માંડવી, મુંદરા, તુણા બંદરેથી આ જ સેવા ફરી શરૂ કરવી જોઈએ. કચ્છથી સૌરાષ્ટ્ર તરફ અવર-જવરથી જમીન માર્ગે નવ કલાક જેટલો સમય લાગે છે  અને દરિયાઈ માર્ગે ત્રણ કલાકમાં પહોંચી શકાય છે. આ સેવાને કારણે રસ્તા ઉપરનું ભારણ ઘટશે, ઈંધણની બચત થશે, વાહનચાલકોને  ટોલ ટેક્સના  ખર્ચમાં રાહત મળશે. કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક તીર્થસ્થાનોમાં પહોંચવા માટે  આ સેવા  ઉપયોગી સાબિત થશે તેવું ઉમેરી આ સેવા પુન: કાર્યરત કરવા તેમણે ભાર મૂકયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer