કચ્છ કેનાલ સુરક્ષાને લઈને ભચાઉ કિસાન સંઘે આપી આંદોલનની ચીમકી

ગાંધીધામ, તા. 20 : કચ્છ નર્મદા મુખ્ય કેનાલમાં વરસાદથી થયેલા ભંગાણનું ઈમરજન્સી સમારકામ તેમજ ઓ એન્ડ એમ હેઠળ કામગીરીની યોગ્ય તપાસ  કરી ચૂકવણા કરવા કચ્છ ભારતીય કિસાન સંઘ ભચાઉ શાખાએ  માંગ કરી હતી. ભચાઉ કિસાન સંઘ શાખાના  પ્રમુખ ભચાભાઈ માતાએ નર્મદા નિગમના કાર્યપાલક  ઈજનેરને લેખિત રજૂઆત કરતાં કહ્યું હતું કે કચ્છ નર્મદાની મુખ્ય કેનાલમાં વરસાદથી નુકસાન થયું છે. જેને કારણે ભંગાણનું સમારકામ યુદ્ધના ધોરણે  થયું છે. પરંતુ આ કામગીરી  નિયમો મુજબ  કરાઈ નથી.  કેનાલની અંદરના ભાગે  ભંગાણ પડવાને કારણે  આવેલી માટી-મલબો બહાર કાઢવામાં આવ્યા નથી. પાંચ વર્ષ સુધીની ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાની જવાબદારી  જે તે ઠેકેદારની હોય છે. જે યોગ્ય રીતે નિભાવવામાં આવી નથી. જેના કારણે કેનાલની  બંને બાજુએ મોટા પ્રમાણમાં જંગલી બાવળ ઊગી નીકળ્યા છે. કેનાલની અંદરના ભાગે માટી, સેવાળ કે અન્ય પ્રકારનો મલબો કેનાલમાં હોવાથી પાણી અવરોધાય છે. ટેન્ડરની જોગવાઈ મુજબ કોન્ટ્રાક્ટર  જોડે ઓ એન્ડ  એમ હેઠળ કરવામાં આવેલી કામગીરીની તપાસ કર્યા બાદ જ ચૂકવણું કરવામાં આવે  તેવી માંગ  આ પત્રમાં કરાઈ હતી. કે.બી.સી.ની ચેનલ નંબર 133.519 કિ.મી.થી 143.975 કિ.મી.માં ઠેકેદારની જવાબદારી પૂર્ણ થતાં નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ અગાઉના ઠેકેદાર દ્વારા પોતાની  પાંચ વર્ષની સમયમર્યાદા દરમ્યાન ઓ એન્ડ એમ હેઠળ કામગીરી પૂર્ણ  કરી નથી તેવો આક્ષેપ  કર્યે હતો. નવા  ટેન્ડર મંજૂર કરતાં પહેલાં અગાઉના ઠેકેદાર પાસેથી  નિયમોસરની કામગીરી  પૂર્ણ કરવામાં આવે. પ્રજાના પૈસાના વ્યય અટકાવવા તથા કેનાલના સુરક્ષાના મુદ્દે  આંદોલનની ચીમકી પણ આ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. આ વેળાએ પ્રમુખ ભચાભાઈ માતા, મંત્રી જિતેન્દ્ર આહીર, ખજાનચી વશરામભાઈ હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer