ગાંધીધામમાં ગટર-પેવર બ્લોકના લાખોના કામ છતાં સ્થિતિ બગડતી હોવાની રાવ

ગાંધીધામ, તા. 20: આ શહેર અને સંકુલમાં પાલિકા દ્વારા કરવામાં આવતા પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર અને ગટર સહિતનાં કામો કરવા છતાં સંકુલની પરિસ્થિતિ બગડતી જતી હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના નગરસેવકે કર્યો હતો..અહીંની પાલિકા દ્વારા 60 એમ.એમ.ની જાડાઈ વાળા સી.સી. પેવર બ્લોક વાપરવામાં આવે છે, જેના એસ.ઓ.આર. ઉપલબ્ધ છે પરંતુ અચાનક અહીંયા 80 એમ.એમ.ની જાડાઈવાળા સીસી પેવર બ્લોકના જ કામ કરાવવા પાછળ બદઈરાદા, ભ્રષ્ટાચારનો આક્ષેપ વિપક્ષી નગરસેવક નીલેશ ભાનુશાલીએ કર્યો હતો. આ બન્ને કામોમાં મજૂરીનો ખર્ચ સમાન છે. તથા 60 એમ.એમ.નો એસ.ઓ.આર. ઉપલબ્ધ છે, પણ 80 એમ.એમ.ના ઉપલબ્ધ નથી, જેથી એનાલિસીસના નામે આ કામ અત્યંત ઊંચા ભાવોથી આપવામાં આવી રહ્યા છે. પાલિકાના પદાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી પાલિકાની તિજોરીમાંથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આ ગંભીર બાબત છે તથા સામાન્ય સભાના પણ સી.સી. પેવર બ્લોકના ખર્ચ, વધારાના મંજૂર થનારા તમામ એજન્ડા પણ શંકાપ્રેરક હોવાનું જણાવાયું હતું. તેમજ આ સંકુલમાં કરવામાં આવતા ગટર, પેવર બ્લોકના કરોડોના કામ છતાં અહીંની સમસ્યાઓ વકરતી જાય છે. તા. 1-4-2019થી 25-10-2020ના સમયગાળા દરમ્યાન ગટર, પેવર બ્લોકના ઈ-ટેન્ડરથી કરેલા કે ઈ-ટેન્ડર પ્રસિદ્ધ  કર્યા વિના કરવામાં આવેલા કામોની યાદી, તેવા કામોના વર્કઓર્ડર, શીડયુઅલ બી (ટેન્ડરની શરતો), એમ.બી. રેકર્ડ સાથે બિલની નકલ સહિતની વિગતો પૂરી પાડવા આ નગરસેવકે માંગ કરી હતી. તા. 1-4-2020થી 25-10-2020ના સમયમાં ગટર,, પેવર બ્લોકનાં મ્યુનિસિપાલિટીઝ એકટની કલમ 45(ડી) અને 67 (3) હેઠળ કરવામાં આવેલા કામોની યાદી અને તેમાં થયેલાં કામોના ચૂકવણાની રકમ સહિતની વિગતો પણ માગવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer