મોટા કાંડાગરાની શાળા પાસે દબાણ નહીં હટે તો કોર્ટમાં રાવ

મોટા કાંડાગરા, તા. 20 : મુંદરા તાલુકાના આ ગામે સરકારી જમીન ઉપર થતા દબાણ મામલે ફરિયાદ થતાં તંત્રને આખરે કાર્યવાહી કરવાની ફરજ પડી પણ દબાણ નહીં હટતાં તંત્રને તાકીદ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સભ્ય લખમણ સામરા ગઢવીએ આ અંગે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, બે વખત મોટા કાંડાગરા ગામમાં મોટા કાંડાગરા વાડી વિસ્તાર પ્રાથમિક શાળા નં. 1ની શાળાની સરકારી જમીનમાં અડોઅડ ગેરકાયદેસર ઉદ્યોગ દબાણ કરીને બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે તેની નોંધ લેવામાં આવી હતી. શાળાની જમીન તેમજ શાળાના રૂમની અડોઅડ જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં દબાણ ખડકી દેવામાં આવ્યું છે.  જિલ્લા વિકાસ અધિકારીએ જેની નોંધ લીધી હતી અને તાલુકા વિકાસ અધિકારી મુંદરાને જણાવેલું કે આ મામલે તપાસ કરવામાં આવે જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા શાળામાં થયેલા દબાણ અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં તેમના રિપોર્ટમાં જણાવેલું કે આ ઉદ્યોગનું આશરે 100 ચો.મીટર જેટલું દબાણ નજરે જોવા મળે છે. આ સમગ્ર મામલાનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યો હતો, પણ એક વર્ષ થઈ ગયું હજુ સુધી કોઈ પણ જાતના પગલાં નથી લેવાયાં. લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગેરકાયદેસર ઉદ્યોગમાં રોજની 700-800 બોટલ 20 લિટર પાણીના બોટલ ભરવામાં આવે છે અને આ બોટલ પોતાના અંગત સ્વાર્થ માટે અલગ-અલગ ગામ તેમજ કંપનીમાં વેચાણ કરવામાં આવે છે. આ કામગીરીથી મચ્છરનું પ્રમાણ વધી શકે છે. આથી આ બાબતે ફરીથી નોંધ લેવામાં આવે તેવી તેમણે માગણી કરી હતી. જો શાળાની સરકારી જમીનમાં આ દબાણ દૂર કરવામાં નહીં આવે તેમજ આ ગેરકાયદેસર નુકસાન રૂપે ઉદ્યોગને દૂર કરવામાં નહીં આવે તો આ ઉદ્યોગ તેમજ આ મામલે સંબંધિત અધિકારી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરીને ન્યાય માગવામાં આવશે તેવી પણ તેમણે ચીમકી આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer