કોરોનાના નવા 20 કેસ : અંજાર-નખત્રાણામાં સંક્રમણ વધ્યું

ભુજ, તા. 20 : જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન પાંચ દિવસમાં 88 કેસ નોંધાયા બાદ આજે વધુ 20 કેસ સાથે કુલ્લ પોઝિટિવ કેસનો આંક 3051 પર પહોંચી ગયો છે. અંજાર, નખત્રાણામાં સંક્રમણ વધવા સાથે જિલ્લા મથક ભુજમાં નવા કેસના આંકમાં આશ્ચર્યજનક ઘટાડો થયો હતો. આરોગ્ય વિભાગની યાદી અનુસાર લાંબા સમય બાદ અંજારમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધ્યું હોય તેમ શહેરમાં પાંચ અને તાલુકામાં બે મળી સાત કેસ નોંધાયા હતા તો નખત્રાણા તાલુકામાં પાંચ કેસ સાથે ઉચાટભરી સ્થિતિ સર્જાઇ હતી. શહેરી વિસ્તારમાં ભુજ અને ગાંધીધામમાં 3-3 મળી 11 તો ગ્રામ્ય વિસ્તારમાં અંજાર-1, નખત્રાણા ઉપરાંત મુંદરામાં બે કેસ નોંધાયા હતા. 16 દર્દીઓ સજા થતાં સાજા થયેલા દર્દીઓનો આંક 2736 પર પહોંચ્યો છે. સક્રિય કેસ ગુરુવારની તુલનાએ વધીને 198 પર પહોંચ્યા છે તો મૃતાંક 71 પર અટકેલો રહ્યો હતો.છેલ્લા કેટલાક સમયથી અંજારમાં સંક્રમણનો વ્યાપ ઘટતાં રાહત મળી હતી પણ આજે એકાઅકે નવા કેસમાં નોંધનીય ઉછાળો આવ્યો હતો. બિનસત્તાવાર રીતે અંજાર શહેરમાં 13 કેસ નોંધાયાની વાત સામે સત્તાવાર રીતે પાંચ કેસની નોંધ થઇ હતી. જિલ્લા મથક ભુજમાં કોરોનાના સંક્રમણથી ઉચાટભરી સ્થિતિ છતાં આજે માત્ર ત્રણ કેસ શહેરી વિસ્તારમાં નોંધાતાં આ આંકડાએ આશ્ચર્ય જગાવવાનું કાર્ય કર્યું હતું. જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા પણ 1033ના આંકે અટકેલી જોવા મળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer