મોટા સલાયા અને અંતરજાળમાં યુવકના ફાંસો ખાઇ આપઘાત : પ્રાગપરની યુવતીએ ઝેરી દવા પી જીવ દીધો

ભુજ/ગાંધીધામ, તા. 20 : માંડવી નજીકના મોટા સલાયા ખાતે નવીન જીવરાજ સિજુ (ઉ.વ. 22) નામના યુવાને પોતાની માનસિક બીમારીથી ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. તો ગાંધીધામ તાલુકાના અંતરજાળ ખાતે હર્ષદ પરસોતમ દરજી (ઉ.વ.26)એ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લટકી જઇને પોતાનો જીવ દીધો હતો. બીજીબાજુ મુંદરા તાલુકાના પ્રાગપર ગામે દિવાળીના દિવસે ઝેરી દવા પી લેનારી ભારતીબેન વિશ્રામ મહેશ્વરી (ઉ.વ.20) નામની યુવતીની જીવનયાત્રા પણ સારવાર દરમ્યાન પૂર્ણ થઇ હતી. તો ગાંધીધામ નજીક વાહન વિદ્યુત થાંભલા સાથે અથડાતાં આ સ્તંભ આ વાહન ઉપર પડતાં અનિશકુમાર ઉર્ફે મનીષકુમાર પરશુરામ પાસવાન (ઉ.વ.19) કાળનો કોળિયો બની ગયો હતો. જયારે મુંદરા તાલુકામાં ભદ્રેશ્વર નજીકના રંધ બંદર વિસ્તારમાં માછીમારી માટે ગયેલા નવયુવાન માછીમાર યાકુબ અલી માંજલિયા (ઉ.વ.19)નું દરિયાના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી શહેરના પાદરમાં આવેલા મોટા સલાયા ગામે બાવીસ વર્ષની વયના નવીન જીવરાજ સીજુ નામના યુવાનની આત્મહત્યાનો બનાવ બહાર આવ્યો છે. માંડવી મરિન પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજે મધ્યાહને આ હતભાગી તેના ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. મરનારને માનસિક બીમારી હોવાથી તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ પ્રાથમિક તબકકે લખાવાયું હતું. બીજીબાજુ અંતરજાળ ખાતે તિરૂપતિ નગરમાં રહેતા પરસોતમ દરજીએ પણ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મૂળ કિડિયાનગર (રાપર)ના વતની અને એકાદ વર્ષ પહેલાં જેનાં લગ્ન થયાં હતાં તેવા આ યુવાને તેના ઘરમાં આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. આત્મહત્યા પછવાડે નિમિત્ત બનેલાં કારણો હજુ સપાટીએ આવ્યાં નથી. પોલીસે આ સંબંધી તપાસ હાથ ધરી છે.દરમ્યાન મુંદરા તાલુકામાં ભદ્રેશ્વર નજીકના રંધ બંદરના દરિયાઇ વિસ્તારમાં સાગરમાં ડૂબી જવાથી ભદ્રેશ્વર ગામના 19 વર્ષની વયના યાકુબ અલી માંજલિયા નામના માછીમાર નવયુવાને જીવ ખોયો હતો. ગત બુધવારે વહેલી સવારથી ગઇકાલે સવાર દરમ્યાન ગમેત્યારે અપમૃત્યુની આ ઘટના બની હતી. જે વિશે વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે આ હતભાગી માછીમારી કરવા માટે સમુદ્રમાં ગયો હતો. દરમ્યાન દરિયાના ઊંડાં પાણીમાં અકસ્માતે ગરકાવ થઇ જવાથી તે મોતને ભેટ્યો હતો. બનાવ બાબતે મુંદરા મરિન પોલીસે અકસ્માત મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત આપઘાત અપમૃત્યુની અન્ય એક ઘટના મુંદરા તાલુકામાં જ પ્રાગપર ગામે ભારતીબેન વિશ્રામ મહેશ્વરી (ઉ.વ.20)ના મૃત્યુના સ્વરૂપમાં બની છે. પોલીસના જણાવ્યા મુજબ આ યુવતી ગત તા. 14મીના સવારે તેના ઘરમાં કોઇ કારણોસર કોઇ ઝેરી દવા પી ગઇ હતી. ભુજ ખસેડાયા બાદ સારવાર દરમ્યાન જનરલ હોસ્પિટલ ખાતે આજે વહેલી સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મરનારે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. મુંદરા પોલીસે કારણો સહિતની આગળની તપાસ હાથ ધરી છે. જયારે ગાંધીધામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરના સર્વિસ રોડ ઉપર ટ્રેઇલર વિદ્યુત થાંભલા સાથે અથડાતાં આ સ્તંભ ટ્રેઇલર ઉપર પડયો હતો અને આ ઘટનામાં ટ્રેઇલરના કલીનર અનિષકુમાર ઉર્ફે મનીષકુમાર પાસવાનને વિદ્યુત આંચકો લાગવાથી મોત આંબી ગયું હતું. બે મહિના પહેલા બનેલા આ કિસ્સા વિશે અંતે ગઇકાલે પોલીસ ફરિયાદ લખાવાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer