ગાંધીધામમાં દુકાનદારનો દિવાળીનો બે લાખનો વકરો કોઈ શખ્સ સેરવી ગયો !

ગાંધીધામ, તા. 20 : આ શહેરની મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં દિવાળી નિમિત્તે થયેલા વકરાના પૈસા રોકડા રૂા.2 લાખની કોઈ શખ્સ ચોરી કરીને નાસી ગયો હતો. શહેરના 400 કવાર્ટર્સ વિસ્તારમાં રહેતા રમેશ રીજુમલ ગ્વાલાની (સિન્ધી) નામના વૃદ્ધ મુખ્ય બજારમાં દુકાન ધરાવે છે. તેમની આ પ્રિન્સ સ્ટેશનરી નામની દુકાનમાં તે સિઝનલ ધંધો પણ કરતા હોવાનું પોલીસે વિગતો આપતાં કહ્યું હતું. દિવાળી નિમિત્તે તેમણે ફટાકડાનો સ્ટોલ લગાવ્યો હતો. આ વેપારી દિવાળીના દિવસે વેપાર કરી રહ્યા હતા અને તેમના કામદારો પોતાના ગ્રાહકોને ફટાકડા આપી રહ્યા હતા, તેવામાં એક ગ્રાહકે રૂા. 300ના ફટાકડા લેતાં આ વેપારીએ પોતે રાખેલા ઝબલામાં પૈસા રાખવા જતા આ ઝબલું ગુમ જણાયું હતું. દરમ્યાન આ ઝબલાની આસપાસમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ ઝબલું કયાંય મળ્યું નહોતું. આ દુકાનની સામે આવેલી એક શિપિંગ કંપનીના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસતાં બધું બહાર આવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે એક શખ્સ આ દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો, તેણે આ દુકાનમાંથી ફટાકડા પણ ખરીદ્યા હતા અને બાદમાં પોતાના ફટાકડાની થેલીની સાથે તેણે વેપારીની થેલી જેમાં પૈસા હતા તેની ચોરી કરીને નાસી ગયો હતો. વેપારીએ દિવાળી દરમ્યાન કમાયેલા   રોકડા રૂા. 2 લાખની ચોરી કરીને નાસી જનારા આ અજાણ્યા શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer