જોખમી ઈમારતોમાં કાંપતી જિંદગીઓ

જોખમી ઈમારતોમાં કાંપતી જિંદગીઓ
હેમાંગ પટ્ટણી દ્વારા-  ભુજ, તા. 28 : 26મી જાન્યુઆરી 2001ના આવેલા વિનાશકારી ભૂકંપમાં થયેલી મોટી ખુવારી માટે નિમિત્ત બનેલી જોખમી બહુમાળી ઈમારતો આ આંચકો અનુભવાયા બાદ એમને એમ ઊભેલી પડી છે. સમયાંતરે અનુભવાતા નાના-મોટા આંચકા બાદ થોડા સમય માટે હરકતમાં આવતું તંત્ર હવે તો જોખમી બહુમાળી ઈમારતો તોડી પાડવા કે પછી તેનું રિટ્રોફિટિંગ કરી રહેવા માટે સલામત બનાવે તેવી લોકમાંગ બુલંદ બની રહી છે. વિતેલા થોડા દિવસોની વાત કરીએ તો જિલ્લામાં ભૂસ્તરીય સળવળાટનો દોર વધવા સાથે કંપન અનુભવવાનું પ્રમાણ વધ્યું છે. નવી નવી ફોલ્ટ લાઇનમાંથી આવતા આંચકાએ ઉચાટ પણ સર્જ્યો છે. ખાસ કરીને આવી જોખમી બિલ્ડિંગો અને તેની આસપાસ રહેતા રહેવાસીઓ તો ભયના ઓથાર તળે જ જીવી રહ્યા છે અને તંત્રવાહકો પાસે કચવાટયુક્ત સ્વરે રજૂઆત પણ કરી રહ્યા છે. ખાસ કરીને નિષ્ણાતોએ સાતની તીવ્રતા સુધીનો ભૂકંપ આવવાની આપેલી ચેતવણી સમયે આ બાબતને અતિ ગંભીર ગણાવાઈ રહી છે. છેલ્લા બાર વર્ષથી જર્જરિત ઈમારતો મુદ્દે રાજ્ય સ્તર સુધી રજૂઆત કરનાર સામાજિક કાર્યકર મિતેશ શાહે જણાવ્યું કે, આજે પણ શહેરમાં અનેક ઈમારતો જોખમી હાલતમાં ઊભી છે. કેટલીક ઈમારતો સાંકડી ગલીમાં આમને-સામને ઊભી છે કે ન કરે નારાયણ અને જો મોટો આંચકો આવે તો બચાવકાર્ય કેવી રીતે કરવું તે એક મોટો સવાલ બની રહે છે. તાજેતરમાં અનુભવયોલા મોટા આંચકા પછી તંત્રે કરેલા સર્વેમાં માત્ર ચાર જ બહુમાળી ઈમારતોને જોખમી ગણાવાઈ તે વાત લોકોના ગળે ઊતરતી નથી. વધુમાં મોટાપાયે સર્વે કર્યા બાદ તમામ બહુમાળી ઈમારતોનો સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ કરવાની સૂચનાનું પણ નાણાકીય ફંડનો અભાવ કે અન્ય કોઈ કારણ આગળ ધરી માંડી વળાયાનું જ હાલની સ્થિતિએ દેખાઈ રહ્યું છે.  છેલ્લા 35 વર્ષથી અરિહંત કોમ્પ્લેક્સમાં રહેતા વરિષ્ઠ નાગરિક ચંદ્રવદનભાઈ ધોળકિયાએ કહ્યું કે, 2001ના ભૂકંપમાં અમારી બિલ્ડિંગ સલામત રહી ગઈ, પણ ગોકુલ એપાર્ટમેન્ટ ધરાશાયી થતાં થોડી નુકસાની થઈ હતી. હાલમાં વૃંદાવન એપાર્ટમેન્ટની ઉપર આવેલી ટાંકી નમેલી હાલતમાં પડી છે. વળી લીમડીવાળા ટેરેસ નામની પાંચ માળની બિલ્ડિંગ જર્જરિત સ્થિતિના લીધે જ્યારે પણ મોટી તીવ્રતાના આંચકા આવે ત્યારે ક્યાંક આ ઈમારત ધરાશાયી થઈને અમારી બિલ્ડિંગ પર તો નહીં પડે ને એવો સતત ભય સતાવતો હોય છે. નીર એપાર્ટમેન્ટમાં છેલ્લા 12 વર્ષથી રહેતા કિશન સોલંકીએ કહ્યું કે, 2008માં ભુજમાં રહેવા આવ્યા હોવાથી 2001ના ભૂકંપનો બિહામણો અનુભવ અમે કર્યો નથી. આમ છતાં તાજેતરમાં આવેલો આંચકો હોય કે તે પૂર્વે અનુભવાયેલા કંપન હોય થોડી વાર માટે ભયનું લખલખું પ્રસરી જવા સાથે અન્યત્ર સલામત જગ્યાએ રહેવા જવાનો વિચાર આવતો હોવાનું કહ્યું હતું. કલ્યાણેશ્વરવાડી વિસ્તારમાં આવેલા એક જોખમી એપાર્ટમેન્ટમાં કેટલાક ફ્લેટ ભાડે પણ આપી દેવાયા છે અને અહીં પરપ્રાંતથી આવેલા લોકો વસવાટ પણ કરી રહ્યા છે. નોંધનીય છે કે, જિલ્લા વહીવટી તંત્રે 2001ની સાલથી અત્યાર સુધી લગભગ 14થી વધુ વખત જાહેરનામા બહાર પાડી બહુમાળી ઈમારતો તોડી પાડવાની સૂચનાનો અમલ કર્યો જ નથી. આ બાબતે ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિને પૂછતાં તેમણે જર્જરિત બહુમાળી ઈમારતોના મુદ્દે સમયાંતરે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરાય છે. તમામ પાસાં જોઈને કોઈ પણ નિર્ણય લેવાનારા હોવાના કારણે થોડો સમય વ્યતીત થઈ રહ્યાનું જણાવી સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર કાર્ય કરી રહ્યાનું કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer