ગાંધીધામ પાલિકાનો પર્યાવરણ વિરોધી ચહેરો ફરી પ્રકાશમાં

ગાંધીધામ પાલિકાનો પર્યાવરણ વિરોધી ચહેરો ફરી પ્રકાશમાં
ગાંધીધામ, તા. 28 : આ પંચરંગી સંકુલમાં પાલિકાની પર્યાવરણ વિરોધી નીતિ સમયાંતરે પ્રકાશમાં આવી છે. તાજેતરમાં સામાજિક સંસ્થા દ્વારા  ટાગોર રોડની  સુંદરતા વધારવા માટેવૃક્ષોની વાવણી કરી એક ફલોટ તૈયાર કરાયો હતો. અલબત્ત, પાલિકા દ્વારા કેનાલ  ખોદકામને  કારણે અહીં  બાળ વૃક્ષોની હત્યા કરી પર્યાવરણ સુરક્ષાના બદલે તેને નુકસાન કરવાનું કૃત્ય  કરવામાં આવતાં સામાજિક સંસ્થાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગાંધીધામ-આદિપુરને જોડતા  ટાગોર  રોડ ઉપર દબાણોની ભારે સમસ્યા છે. તંત્ર દ્વારા  આ મુદ્દે તવાઈ બોલાવ્યા બાદ  અહીં ફરી જૈસે થે તે પ્રકારે દબાણ ગોઠવાઈ જાય છે. આ સમસ્યા કાયમી નિવારવા માટે વહીવટીતંત્ર  રોડની બન્ને બાજુએ વૃક્ષારોપણ સહિતનાં કાર્ય કરી રસ્તાની સુંદરતા વધારવાની દિશામાં અનોખો પ્રયોગ શરૂ કરાયો છે.આ અંતગર્ત રોટરી સર્કલ પાસે અગ્રવાલ સમાજ ગાંધીધામ દ્વારા કિરણ ગ્રુપનાં સૌજન્યથી માતબર રકમનાં ખર્ચે એક ફલોટમાં વિવિધ પ્રકારનાં મોટી સંખ્યામાં  વૃક્ષોનું વાવેતર કરી રસ્તાની શોભા વધારવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પાલિકા દ્વારા સંસ્થાનાં પર્યાવરણની જાળવણીના સંદેશ ઉપર પાણી ફેરવી દેવાયું હતું. ગાંધીધામ  સુધરાઈ દ્વારાઆ ફલોટના પાછળના ભાગેથી કોઈ લાઈન કાઢવાનું કામ આદરાયું હતું. આ ખોદકામ કરેલી લાઈનમાં પાણીનો ભરાવો પણ થયો છે. આ કામને  કારણે  એકાએક ફલોટની  દીવાલ  ધરાશયી થતાં અનેક વૃક્ષો મૂળથી નીકળી પડયાં હતાં. નગરપાલિકા દ્વારા બેદરકારી અને  આયોજન વિનાનાં કામને કારણે  અનેક વૃક્ષોને નુકસાન થયુ છે. પાલિકાના આ અભિગમ સામે   જુદી-જુદી સામાજિક સંસ્થાઓમાં ભારે રોષ ભભૂકયો છે. સંસ્થાઓ  દ્વારા આ રસ્તાની સુંદરતા વધારવાના પ્રકલ્પ સામે પણ વિરોધ કરી આગામી સમયમાં કોઈ પ્રકારની મદદ ન કરવા હૈયાંવરાળ ઠાલવવામાં આવી છે. નોંધપાત્ર છે કે, થોડા મહિનાઓ અગાઉ આ જ પ્રકારે  એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ગાંધીધામની  મુખ્ય બજારમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં  આવ્યું હતું, પંરતુ પાલિકાએ કેટલાક લોકોની જીદ અને ટ્રાફિક સમસ્યાનાં બહાના હેઠળ  ટ્રી ગાર્ડ ઉખેડી નાખતાં વૃક્ષોનો સોથ વળી ગયો હતો.પાલિકાના સત્તાધીશોની  પર્યાવરણ વિરોધી નીતિ સામે જાગૃત નાગરિકોએ નારાજગી વ્યકત કરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer