કોરોનાથી ધંધાનો પન્નો ટૂંકો પડવાનો `ટેઇલર''ને ભય

કોરોનાથી ધંધાનો પન્નો ટૂંકો પડવાનો `ટેઇલર''ને ભય
હેમંત ચાવડા દ્વારા-  ભુજ, તા. 28 : કોરોના મહામારી થકી તહેવારો-લગ્નપ્રસંગોને લગતા અનેક ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે, જેમાં મંડપ ડેકોરેશન હોય કે કેટરર્સ, ઘરેણાં હોય કે વત્રોના, દરેક વ્યવસાય હાલ મંદીની ગર્તામાં ધકેલાઈ ગયો છે. તેવામાં આગામી દિવાળી તહેવારને અનુલક્ષીને અનેક વેપારીઓ ઘરાકી નીકળશે તેવી આશા સાથે બજારોની રાહ પર મીટ માંડી બેઠા છે. ત્યારે આ તહેવારની મુખ્ય જરૂરિયાત એવા નવા કપડાં સીવતા કરીગરો (ટેઈલર)ની દિવાળી સુધરશે કે કેમ તેવો પ્રશ્ન આ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓને સતાવી રહ્યો છે. આ અંગે કચ્છમિત્રની ટીમે ભુજની બજારોમાં લટાર મારતાં મિશ્ર પ્રત્યાઘાતો જાણવા મળ્યા હતા. શહેરના અનમ રિંગ રોડ પર જે. સન્સ નામની પેઢી ધરાવતા મુકેશભાઈ ધામેચાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે-ચાર દિવસથી બજારમાં ગામડાંની ઘરાકી નીકળી છે, તેમ શરદપૂનમ પછી શહેરી ગ્રાહકો આવતા હોવાથી `િદવાળી સારી' જાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. દોઢેકસો વર્ષથી દાદા-પડદાદાનો વ્યવસાય સંભાળતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ તૈયાર વત્રોનો જમાનો નહોતો ત્યારે નવરાત્રિ અગાઉથી બુકિંગ ચાલુ થઈ જતું હતું. પરંપરાગત વ્યવસાયથી વિમુખ થતી નવી પેઢી બજારોમાં તૈયાર વત્રોના મોટા મોટા શોરૂમ ખૂલી જતાં યુવા પેઢી તેમાં આકર્ષાઈ જેનાથી કાપડ લઈ સિલાઈ કરાવવાનું ચલણ ધીમે ધીમે ઓછું થવા લાગતાં દરજી સમાજની નવી પેઢી પરંપરાગત વ્યવસાય છોડી અન્યત્ર નોકરી-કામધંધા તરફ વળી ગઈ છે, તેમને પોતાના વ્યવસાયમાં રસ નથી રહ્યો તેથી આ વ્યવસાયને ટકાવી રાખવા જૂની પેઢી ધરાવતા દુકાનદારો યુ.પી. અને બિહારના કારીગરો પર અવલંબિત થતા જાય છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે 25થી 30 ટકા માંડ ગ્રાહકો આવી રહ્યા છે તેવું મહેરઅલી ચોક પાસે આવેલા ડી.વી. ટેઈલરના નરેશભાઈ પરમારે જણાવ્યું હતું. - લગ્નગાળો કોરો ગયો, હવે દિવાળી કેવી જશે ? : શહેરની લંગા શેરીમાં ચેમ્પિયન ટેઈલર નામની દુકાન ધરાવતા ભરતભાઈ લીંબડે જણાવ્યું હતું કે, લગ્નગાળો સાવ કોરો ગયો, હવે દિવાળીની આશા હતી, પરંતુ માંડ-માંડ 30થી 40 ટકા ગ્રાહકો ગત વર્ષની તુલનાએ આવ્યા છે, તો આખર તારીખ હોવાથી પગાર થાય પછી ગ્રાહકો આવશે તેવી આશા અંજલિ ટેઈલરના હસમુખભાઈ સોલંકીએ વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી ઉંમરના લોકો સીવડાવેલા જ કપડાં પહેરે છે, પરંતુ તૈયાર વત્રોની નબળી ગુણવત્તા તેના ટકાઉપણા અને પરફેક્ટ ફિટિંગ બેસતી ન હોઈ યુવા પેઢી પણ ધીમે ધીમે ફોર્મલ કપડાં તરફ ઢળવા લાગી છે. તેથી આગામી દિવાળી સારી જશે તેવો આશાવાદ આ વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ સેવી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer