દરિયા અને રણ વચ્ચે ફકીરાણી જત અસ્તિત્વ ટકાવવા ઝઝુમી રહ્યા છે

દરિયા અને રણ વચ્ચે ફકીરાણી જત અસ્તિત્વ ટકાવવા ઝઝુમી રહ્યા છે
બાબુ માતંગ દ્વારા-  નિરોણા (પાવરપટ્ટી), તા. 28 : માલધારીનો મુલક ગણાતા કચ્છના ગરડા પંથકના ખારાઈ જાતિના ઊંટ સાથે વિચરતા ફકીરાણી જત માલધારી પોતાની આગવી ઓળખ ધરાવે છે. ખારાઈ ઊંટ દરિયાઈ ચેરિયાં પર નિર્ભર હોય છે. સમુદ્ર વચ્ચે બેટમાં ઊભેલા ચેરિયાં સુધી પહોંચવું મુશ્કેલરૂપ હોઈ આ પંથકના અનેક માલધારીઓ બન્ની અને પાવરપટ્ટી પંથકમાં આવ્યા પછી ઊંટોનાં ચરિયાણ માટે આ વિસ્તાર અનુકૂળ જાણી અહીં જ સ્થાયી થવા માગે છે, પરંતુ રહેણાંકની જમીન, મકાન સહિતની સગવડોના અભાવે આ માલધારીવર્ગ આજે પણ અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યો છે. વરસાદ આધારિત ખેતી અને પશુપાલન એ અહીંનો મુખ્ય વ્યવસાય છે. પશુપાલન ક્ષેત્રે અહીંના માલધારીઓ અનોખી ઓળખ ધરાવે છે. સરહદી જિલ્લાના વિવિધ વિસ્તારમાં માલધારીઓ પોતાના પશુઓના લાલન-પાલન માટે ભારે પ્રખ્યાત છે, એટલું જ નહીં એ અલગ-અલગ વિસ્તારના પશુઓ પણ જાણીતા બન્યા છે. જેમ કે વાગડના ઘેટાં, કંઠીપટની ગાય, બન્નીની કુંઢી ભેંસ, પચ્છમના સિંધી ઊંટ, પાવરપટ્ટીની પોં (બકરી) તો ગરડા વિસ્તારના ખારાઈ ઊંટ ભારે પ્રખ્યાત છે. રાજાશાહીથી ગરડા વિસ્તાર તરીકે જાણીતા લખપતના મોઆડી, આસલડી, વાલાવારી વાંઢ, મેડી, તેરા (ગોયલા), ભારાવાંઢ વગેરે ગામો ખારાઈ ઊંટના પશુપાલન માટે જાણીતા છે. મુખ્યત્વે અહીં આ વ્યવસાય સાથે સંકળાયેલા ફકીરાણી જત પોતાની આગવી લોકસંસ્કૃતિ ધરાવે છે. ખાસ કરીને દરિયાઈ પાણીમાં ઊગતા ચેરિયાણ તરીકે ઉપયોગ કરતા ઊંટોના માલધારીઓને ઊંટો સાથે તરીને પહોંચવું ભારે મુશ્કેલરૂપ છે. આ પંથકના ઘણા માલધારીઓ ચરિયાણની સરળ વ્યવસ્થા માટે ઊંટો પર ઓતારા લાદી કચ્છના મોટા રણમાં પથરાયેલા બન્ની અને પાવરપટ્ટી વિસ્તારમાં વિચરતા નજરે ચડે છે. હાલમાં જ કચ્છમિત્રની ટીમે મહા મેઘમહેર બાદ લીલીછમ બનેલી બન્નીનો પ્રવાસ કર્યો ત્યારે નખત્રાણા તાલુકાના જતાવીરાથી આગળ બે કિ.મી.ના અંતરે છારી-ફુલાય રોડને અડીને અંદાજે 20થી 25 જેટલા પરિવારો ચોખ્ખાચણાક મેદાનમાં પોતાની પરંપરાગત રહેણાક ભૂંગીઓમાં રહેતા નજરે ચડયા હતા. ભરેલાં પાણી વચ્ચે ઊગતી લીલા લાંબા પર્ણોવાળી `કલ' નામક વનસ્પતિને હારબદ્ધ ગોઠવી બનાવેલી ભીંતો ઉપર એ જ વનસ્પતિના ગોઠવેલાં પર્ણો, તળિયે છાણનું કલાત્મક લીંપણ એ ફકીરાણી જત માલધારીઓનું અસલ રહેણાક. એની આસપાસ સાફ-સુથરી જગ્યામાં ગાંડા બાવળની છાયે બાંધેલાં ઘેટાં-બકરાંના બચ્ચાં, બાજુમાં ખાટલા પર બેસી ઊંટના ઊનમાંથી `ઢેરા' ફેરવી ઝીણી દોર બનાવતો માલધારી કે ભૂંગીની અંદર ઊંટની ઊનની પાથરેલી ચાદર પર બેસી પરંપરાગત વત્રોના ભરત-ગૂંથણમાં મહિલાવર્ગ મશગૂલ બની છે. ગરડા પંથકના આ માલધારી વસાહતના અગ્રણી હુસેનભાઈ જત કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં કહે છે કે અમારા ઊંટોનો મુખ્ય ચરિયાણ ચેરિયાં છે. ખારા પાણી જંગી ચેરિયાં સુધી પહોંચવું, ત્યાં કીચડ વચ્ચે રહી ખાવું-પીવું કઠિન હોઈ ઘણા માલધારીઓને બન્ની અને પાવરપટ્ટી સુધી ભટકવું પડે છે. એટલું જ નહીં એક વાર અમારા ઊંટો આ વિસ્તારમાં પગ મૂક્યા પછી ગરડા તરફ ફરતા નથી. જો જોર જુલ્મીથી તેને વતન તરફ વાળી જઈએ તો ત્યાંથી પાછા અહીં પહોંચી આવે છે અને એટલે જ નછૂટકે અમારે આ વિસ્તારમાં સ્થાયી થવાનું નક્કી કર્યું છે પણ વસવાટ માટે જમીન નથી તો પ્લોટ, મકાન માટે પણ મુસીબત ઊભી થઈ છે. આ અંગે અમે જતાવીરા ગ્રામ પંચાયત પાસે માગણી પણ કરેલી છે પણ કોઈ નિરાકરણ નથી. આ બાબતે જતાવીરા ગ્રા. પંચાયતના સરપંચ કીર્તિદાન ગઢવીનો સંપર્ક કરતાં  જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષોથી રહેતા આ માલધારી પરિવારોની જમીન માટે અરજી મળી છે. ઉપલી કક્ષાએથી મંજૂરી મળે તો પંચાયત તેને જમીન ફાળવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ માલધારીઓ પાસે મકાન તો ઠીક પીવાનાં પાણીની સુવિધા પણ નથી. તેમની વસાહત નજીકથી પસાર થતી નર્મદાની પાઈપલાઈન પર ઊભા કરવામાં આવેલા એર વાલ્વના પાઈપમાંથી  છલકાતું પાણી લાંબી ઈંતેજારી બાદ મળે છે. આ માલધારીઓ  ઊંટડીનું દૂધ વેચાણ કરી ગુજારો કરે છે. દરમ્યાન આ ગરડા પંથકના માલધારીઓ છારીઢંઢની આસપાસ ખારી જાર (પીલુડી) અને લાંણા (મોરડ)નો ચરિયાણ ઊંટોને ચરાવે છે. જે નબળા વર્ષોમાં પણ સહેલાઈથી ઉપલબ્ધ બની રહે છે. ચાલુ ચોમાસામાં સારા વરસાદને પગલે રણના કાંઠાળ વિસ્તાર અને પાવરપટ્ટીના પથરાળ પંથકમાં ઊગી નીકળેલ લીલાંછમ ગોલાડો, ખેર, કુંધેર, પટલિયાર જેવો પૌષ્ટિક આહાર પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ હોઈ આ માલધારીઓને મુશ્કેલ રઝળપાટ કરવી પડતી નથી. 
    ઊંટોનો વેપાર અટકી  પડતાં આર્થિક સંકડામણ  નિરોણા (પાવરપટ્ટી), તા. 19 : રાત-દિવસ ઊંટો સાથે જીવન ગુજારો કરતા આ માલધારીઓનું આવકનું મુખ્ય સ્રોત નર ઊંટોના વેચાણ ઉપર નિર્ભર છે. આ માલધારીઓના કહેવા પ્રમાણે મારવાડ કે રાજસ્થાનમાંથી આવતા વેપારીઓ નર ઊંટ વેચાણથી લઈ જાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વેપારીઓ આવતા બંધ થયા પછી ભારે આર્થિક કટોકટી ઊભી થઈ છે. જો કે દૂધ મંડળીઓ દ્વારા ઊંટડીના દૂધ ખરીદવાનું શરૂ કરાતાં થોડી રાહત થઈ હોવાનું માલધારીઓ જણાવે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer