મતદાન એ માત્ર ફરજ જ નહીં, જવાબદારી પણ છે

મતદાન એ માત્ર ફરજ જ નહીં, જવાબદારી પણ છે
ભુજ, તા. 28 : મતદાન એ આપણી ફરજ જ નહીં, જવાબદારી છે. જનજાગૃતિ માટેના મતદાન કરવાના સમાજના વિવિધ અગ્રણીઓની સોશિયલ મીડિયાના કિલપિંગ્સ આજે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણા ડી.કે. દ્વારા અપલોડ કરવામાં આવ્યા હતા. 1-અબડાસા મતવિસ્તાર પેટાચૂંટણી-2020 માટે આગામી 3-11-2020ના મતદાન થનાર છે. આ બાબતે જનજાગૃતિ અને પ્રચાર પ્રસાર અર્થે જિલ્લા ચૂંટણી કચેરી અને વહીવટી તંત્ર દ્વારા સમાજના યુવા અને જનમાનસના બહોળા વર્ગને લોકશાહી અને મતદાનના મૂલ્યને વધુ પ્રસારિત કરવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો છે. ઈલેકટ્રોનિકસ અને ઈ-માધ્યમ દ્વારા જનજાગૃતિ ફેલાવવા કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા આ વીડિયો ક્લિપિંગ્સને લોંચ કરવામાં આવ્યા હતા. આ વીડિયો ક્લિપમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુરૂપ મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.મતદાતાઓએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું તેમજ હાથને સેનિટાઈઝ કરવા વગેરે પાલન કરવા જણાવાયું છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.  બી. પ્રજાપતિ, એમ.સી.એમ.સી. કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer