આફ્રિકામાં કચ્છ સત્સંગનો સિતારો વિલાયો

આફ્રિકામાં કચ્છ સત્સંગનો સિતારો વિલાયો
કેરા (તા. ભુજ), તા. 28 : મૂળ કચ્છ બળદિયાના હાલે નાઇરોબી (કેન્યા) કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું 58 વર્ષની વયે લંડન ખાતે સારવાર દરમ્યાન અવસાન થતાં કચ્છ સત્સંગનો સિતારો વિલાયા જેવી આઘાતજનક લાગણી પ્રસરી છે. તેમના સ્નેહી વર્તુળોના જણવ્યા પ્રમાણે તેઓ કેન્સરની સારવાર હેઠળ હતા. તબિયત પણ સુધારા પર હતી. દરમ્યાન કોરોનાની સહજ અસર હેઠળ તેમણે લંડનના સ્થાનિક સમયે રાત્રે દોઢ વાગ્યે તા. 28/10ના અંતિમ શ્વાસ લીધા હતા. સદ્ગત કચ્છીઓની આફ્રિકા હિજરતી પેઢીને જોડનાર માધ્યમ હતા. બાળપણથી સ્વામિનારાયણ સંપ્રદાયમય ઉછેર બાદ લાલજી મેઘજી પટેલ કંપનીને પ્રતિષ્ઠા અપાવી. કરિયાંગા માર્ગ પરના કચ્છ સત્સંગ સ્વામિનારાયણ?મંદિરમાં 10 વર્ષ સુધી ઉપપ્રમુખપદે રહ્યા અને કચ્છીઓના કચ્છ પ્રાંત લંગાટામાં  મંદિર અને આવાસ નિર્માણ, અતિ સાહસરૂપ કાર્યો દૂરંદેશીથી, મિતભાષિતાથી, સહજતાથી પાર પાડયા. તેઓ ભુજ સ્વામિનારાયણ મંદિરના વફાદાર સૈનિક બની રહ્યા. લંગાટા મંદિરના છેલ્લા આઠ વર્ષથી પ્રમુખપદે રહી સંતોના આશીર્વાદના અધિકારી બની રહ્યા. પરબતભાઇના જવાથી કચ્છ સત્સંગે પોતાનો સિતારો ગુમાવી દીધો છે, જ્યારે કચ્છી લેવા પટેલ સમાજે પોતાનો પુત્ર ખોયો છે. આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્રપ્રસાદજી, મોટા મહારાજ, ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશ સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, કોઠારી રામજી દેવજી વેકરિયા, ઉપકોઠારી મુરજીભાઇ સિયાણી, લેવા પટેલ સમાજ પ્રમુખ વેલજીભાઇ પીંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, પૂર્વાધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયાએ શ્રદ્ધાંજલિ અર્પી હતી, તો લંગાટા મંદિરના ઉપપ્રમુખ હીરજીભાઇ સિયાણી, મંત્રી નારાણભાઇ ગોરસિયા, નાઇરોબી સમાજ પ્રમુખ ભીમજીભાઇ હાલાઇ, યુ.કે. પ્રમુખ વેલજીભાઇ વેકરિયા, પૂર્વ પ્રમુખ માવજીભાઇ (કેન્ફોર્ડ), મોમ્બાસા સમાજ પ્રમુખ ધનજીભાઈ પીંડોરિયા, વિલ્સ્ડન અગ્રણી કે.કે. જેસાણીએ ખેદ દર્શાવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer