નર્મદા યોજનાનું કામ કોંગ્રેસે અટકાવ્યાનો આક્ષેપ

નર્મદા યોજનાનું કામ કોંગ્રેસે અટકાવ્યાનો આક્ષેપ
નખત્રાણા/કોઠારા, તા. 28 : અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચાર અર્થે નખત્રાણા અને કોઠારા ખાતે ચૂંટણીસભા સંબોધતાં કેન્દ્રના કૃષિમંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં પ્રવચન   કરીને ભાજપની સિદ્ધિઓ જણાવી પ્રદ્યુમનસિંહને મોટી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી. શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, સીધી ને સાદી વાત કરવા આપની પાસે આવ્યો છું. આ કોઇ જનરલ ચૂંટણી નથી. સરકાર બદલવાની ચૂંટણી નથી. માત્રને માત્ર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા વધારવા માટે, રાજ્ય સરકાર સાથે શ્રી જાડેજા કડી બને તે માટે આ પેટાચૂંટણી જ્યારે આવી છે ત્યારે શિસ્તબદ્ધ સભા જોઇ તમે શ્રી જાડેજાને મત આપો તેવું કહેતાં અવિવેક કહેવાય, પરંતુ જે રીતે તમો અહીં બેઠા છો, તમે તો મત આપશો પરંતુ બીજાને પણ મત ભાજપને અપાવશો તેવું મોટી સભાને સંબોધતાં ઉમેર્યું હતું. વધુમાં 2001 ધરતીકંપ પછી કચ્છનો જે રીતે વિકાસ થયો, કચ્છને વિશ્વના ફલક પર લઇ જઇ ખ્યાતિ અપાવી, સફેદ રણ આખી દુનિયામાં પ્રચલિત બન્યું અને નરેન્દ્રભાઇ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા, જેટલી મુલાકાત લીધી તેવી તેટલી કોઇએ મુલાકાત મુખ્યમંત્રીએ નહીં લીધી હોય. તેમને કચ્છ ખૂબ જ પ્રિય છે તેવું કહ્યંy હતું. નર્મદાનું પાણી અબડાસા સુધી પહોંચશે. દસ વર્ષ સુધી નર્મદાનું કામ અટક્યું તે કોંગ્રેસની દેન હતી. કેવડિયાથી કચ્છ સુધી પીવાના પાણીની પાઇપલાઇન પહોંચાડી છે. વધુમાં પાણી, આરોગ્ય, શિક્ષણ, 108, મા કાર્ડ, આયુષ્યમાન યોજના બતાવી છે તેવી વાત કરી હતી. અગાઉ સાંસદ વિનોદભાઇ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ કહ્યું કે, મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે મોટી સંખ્યામાં એકત્રિત થયા છીએ. અબડાસાની પેટાચૂંટણીમાં ઇતિહાસ સર્જાય તે માટે એકત્રિત થયા છીએ. વિકસિત વિકાસશીલ કચ્છ બન્યું છે તેનું શ્રેય ભારતીય જનતા પાર્ટીને જાય છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઇ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. સભામાં શિક્ષણમંત્રી-ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કચ્છીમંત્રી વાસણભાઇ આહીર, પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા, ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, વિજાપુરના ધારાસભ્ય રમણભાઇ પટેલ, ડીસાના શશિકાંતભાઇ પંડયા, દિલીપભાઇ ત્રિવેદી, બનાસકાંઠાના દુષ્યંત પંડયા, છાયાબેન ગઢવી, કૌશલ્યાબેન માધાપરિયા, કલાવંતીબેન રાજગોર, નિયતિબેન પોકાર, કૌશલ્યાબેન, મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રિકાબેન લીંબાચિયા મંચસ્થ રહ્યાં હતાં. વલ્લમજીભાઇ હુંબલ, મીડિયા સેલના સાત્વિકદાન ગઢવી, અરજણભાઇ રબારી, પ્રવીણસિંહ વાઢેર, દિવ્યાબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં. નખત્રાણા-અબડાસા-લખપત તાલુકા ભાજપ પ્રમુખ તેમની ટીમ દ્વારા રૂપાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન અનિરુદ્ધભાઇ દવે, આભારવિધિ ચૂંટણી ઇન્ચાર્જ જયસુખભાઇ પટેલે કરી હતી. દરમ્યાન આ પૂર્વે અબડાસાના કોઠારા ખાતે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, આજથી 20 વર્ષ પહેલાં શું પરિસ્થિતિ હતી અને હાલમાં  ભાજપની સરકાર આવ્યા બાદ શું પરિસ્થિતિ છે. કોંગ્રેસના સમયમાં કંઇ કામ નથી થયાં જ્યારે ભાજપએ કરી બતાવ્યાં છે. ભાજપની સરકારે લોકડાઉનમાં ખેડૂતોના ખાતાંમાં 16.5 કરોડ રૂપિયા નાખ્યા છે. એમણે અસંખ્ય હિતના કાર્ય કર્યાં છે. પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ જણાવ્યું કે ઉમેદવારે માત્ર આ તાલુકાનો વિકાસ થાય તે માટે આટલા મોટા પદનો ત્યાગ કર્યો છે.કોઠારાના કાર્યક્રમમાં મંત્રીઓ, ભાજપના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, હકુમતસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, મહેશોજી સોઢા, ચેતન રાવલ, વિક્રમસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ચેતન ગોર, અર્ષીત ઠક્કર, સાલેમામદ મંધરા, મોમાયાભા ગઢવી, ઉષાબા જાડેજા, ઉમરશી ભાનુશાલી, રાજુભાઇ રબારી, છત્રસિંહ જાડેજા, જીગર છેડા વગેરે હાજર રહ્યા હતા.સંચાલન મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. વાડીલાલ પોકારે આભાર માન્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer