પોલીસે અંતે મહેણું ભાંગ્યું: ત્રણ ચોરી ઉકેલી

પોલીસે અંતે મહેણું ભાંગ્યું: ત્રણ ચોરી ઉકેલી
ગાંધીધામ, તા. 28 : રાપર તાલુકાનાં આડેસર પોલીસ મથક હેઠળ આવતાં ગાગોદર, પલાંસવા અને ડેડરવામાં થયેલી ચોરી અને લૂંટના ત્રણ બનાવો પરથી પોલીસે પડદો ઊંચકી લઈ બે શખ્સોની અટક કરી હતી. આ શખ્સો પાસેથી રૂા. 8,03,554નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. ગાગોદરમાં ગત તા. 16-10ના દિલીપ કરશન પટેલ તથા તેમના પાડોશીનાં બંધ મકાનમાંથી રૂા. 6,29,000ની ચોરી થઈ હતી, તેમજ પલાંસવામાં લાલા દેવશીભાઈ ભરવાડનાં બંધ મકાનમાં ગત તા. 5-10ના રૂા. 82,000નાં  દાગીનાની ચોરી થઈ હતી. જે અંગે પોલીસ મથકે ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી તથા ડેડરવામાં 8-10ના લૂંટનો બનાવ બન્યો હતો, જેની ફરિયાદ પણ ગઈકાલે રાત્રે પોલીસના ચોપડે ચડી હતી. જેઠા ભીમાભાઈ પટેલ નામના વૃદ્ધ પોતાનાં બાઈકથી જઈ રહ્યા હતા, ત્યારે બે શખ્સો તેમની પાસેથી રોકડા રૂા.49,000ની લૂંટ કરીને નાસી ગયા હતા. આ પ્રકરણમાં પોલીસે મૂળ પલાસવાના  અને હાલમાં રાપરમાં રહેતા સુરેશ મોહન અખિયાણી (કોળી) તથા મૂળ પીછાણા (બાદલપર) હાલમાં રાપર રહેતા પ્રવીણ જોધા ભૂત (કોળી) નામના શખ્સોની ધરપકડ કરી હતી. આડેસરની સ્થાનિક પોલીસ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી, દરમ્યાન સણવા ગામની સીમમાં પ્રાગાભાઈ માળીની વાડીમાં આવેલી  ઓરડીમાં રહેતા બે  શખ્સે ત્રણેક ચોરીના બનાવોને અંજામ આપી ભાગબટાઈ કરી રહ્યા હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. પોલીસ ત્યાં પહોંચી જઈ ત્યાંથી આ બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બન્ને પાસેથી દાગીના અને રોકડા રૂપિયા એમ કુલ રૂા. 8,03,554નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બન્ને શખ્સો દિવસ દરમ્યાન બંધ મકાનને નિશાને લઈ તેમાં હાથફેરો કરતા હતા. આ શખ્સો ઉપર અગાઉ પણ ચોરીના અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસે કહ્યું હતું. આ બન્ને પૈકી પ્રવીણ ભૂત ઉપર અપહરણ, બળાત્કાર, પોક્સો સહિતની કલમો તળે ગુના નોંધાયેલા છે. ચોરી   કરવાની ટેવવાળા આ શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કામગીરીમાં આડેસર ફોજદાર વાય. કે. ગોહિલ, ધ્રુવદેવસિંહ, બલભદ્રસિંહ, મહેન્દ્રસિંહ, હકુમતસિંહ, વિષ્ણુ ગઢવી, કાંતિસિંહ, વિજયસિંહ, ભરત ઠાકોર, ગાંડાભાઈ ચૈધરી વગેરે જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer