આદિપુરમાં ગરબાનું અનોખું વિસર્જન

આદિપુરમાં ગરબાનું અનોખું વિસર્જન
ગાંધીધામ, તા. 28 : આદ્યશક્તિની આરાધનાનાં નવરાત્રિ પર્વની ઉજવણી સંપન્ન થયા બાદ  ગરબા તળાવ કે નદીમાં તારવામાં આવે છે, પરંતુ આદિપુરમાં ગરબા મારફત વૃક્ષોને  પાણીનું સિંચન થાય અને ગરબો પુન: માટીમાં જ ભળી જાય તે માટે જમીનમાં ગરબાનું વિસર્જન  કરી પ્રકૃતિનાં સંરક્ષણનું કાર્ય કરવામાં આવ્યું હતું. વૃક્ષ ગંગા અભિયાન, ગાયત્રી પરિવારના નરેન્દ્ર જોશીનાં જણાવ્યા પ્રમાણે હાલ કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિમાં ગરબાનું નવા વિચાર સાથે વિસર્જન કરવાનો વિચાર આવ્યો, જે વહેતો કરવામાં આવ્યો હતો. માટીના બનેલા ગરબાનું ઘરઆંગણે બગીચામાં  વાવેલા છોડથી  એકથી દોઢ ફૂટ અંતરે ખાડો કરીને પઘરાવવો. માટીના ગરબાને મોઢાં સુધી માટી  વાળી દેવાની અને આ ગરબામાં પાણી નાખવાનું, જેનાંથી છિદ્રો દ્વારા ટપક પદ્ધતિથી વૃક્ષનાં મૂળિયાંને પાણી  મળી શકે અને માટીનો ગરબો માટીમાં જ વિસર્જિત થાય. તેમણે આ વખતે તેમનાં ઘરનાં બે અને અન્ય ત્રણ સહિત પાંચ ગરબા  પર્યાવરણનાં જતનના હેતુથી આશાપુરા મંદિરમાં પધરાવ્યા હતા. તેમાંથી કાચી માટીના  ગરબા માટીમાં જ વિસર્જિત થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આદિપુરના અને સિધ્ધુપરના વિદ્વાનોએ પણ ગરબો વિસર્જિત થયા પછી તેનું આ પ્રકારે વિસર્જન કરી શકાય તેવો મત વ્યકત કર્યો હતો. આદિપુરમાં તેમણે 2500થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે અને પ્લાસ્ટિકની બોટલો તથા અન્ય માટીના ઘડાને જમીનમાં નાખીને વૃક્ષોને ટપક પદ્ધતિથી પાણી આપી રહ્યા છે. ગણેશ વિસર્જન પણ હવે ઘરમાં જ થઈ રહ્યું છે, ત્યારે પર્યાવરણનાં જતન માટે માતાજીના ગરબાને પણ ઘરમાં જ વિસર્જન કરવાની દિશામાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવાની નેમ તેમણે વ્યકત કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer